February 22, 2025

ભારતીય મૂળના કાશ પટેલ અમેરિકામાં FBIના નવા ડિરેક્ટર, ટ્ર્મ્પે કહ્યું – 155 વર્ષ પછી ઐતિહાસિક રસ્તે અમેરિકા

Trump on Kash Patel: અમેરિકામાં પહેલીવાર ભારતીય મૂળના વ્યક્તિ કાશ પટેલ FBI ડિરેક્ટર બન્યા છે. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે આ અંગે ખુશી વ્યક્ત કરી છે. વ્હાઇટ હાઉસે કહ્યું છે કે, એફબીઆઈ ડિરેક્ટર તરીકે કાશ પટેલની નિયુક્તિ રાષ્ટ્રપતિ ટ્રમ્પના અખંડિતતા પુનઃસ્થાપિત કરવા અને કાયદાના શાસનને જાળવી રાખવાના એજન્ડામાં એક મહત્વપૂર્ણ પગલું છે. એફબીઆઈ અમેરિકન લોકોની સેવા કરશે અને નિષ્પક્ષ અને પક્ષપાત વિના ન્યાય લાગુ કરવાના તેના મુખ્ય કાર્ય પર ધ્યાન કેન્દ્રિત કરશે, તેમ વ્હાઇટ હાઉસે X પરની એક પોસ્ટમાં જણાવ્યું હતું.

આ સમય દરમિયાન રાષ્ટ્રપતિ ટ્રમ્પે રાષ્ટ્રની સ્થાપનાની આગામી 250મી વર્ષગાંઠની પણ ચર્ચા કરી હતી. સ્વતંત્રતાના રક્ષણમાં કાળા અમેરિકનોના યોગદાનની પ્રશંસા કરી હતી. ટ્રમ્પે કહ્યુ કે, ‘અમેરિકન્સ દેશની સ્થાપનાના 250 વર્ષની ઉજવણી કરવા જઈ રહ્યા છીએ. ત્યારે આપણે આ ઉજવણીમાં અસંખ્યા અશ્વેત અમેરિકન્સના યોગદાનનું સન્માન કરવા માટે તત્પર રહીશું. ઉલ્લેખનીય છે કે, તેમણે શરૂઆતથી જ અમેરિકાની સ્વતંત્રતા, રક્ષા કરવા અને વિસ્તાર કરવા માટે સંઘર્ષ કર્યો છે.’

એલન મસ્કે પણ કાશ પટેલને અભિનંદન આપ્યા
આ દરમિયાન ડિપાર્ટમેન્ટ ઓફ ગવર્નમેન્ટ એફિશિયન્સીના (DOGE) વડા અને ટેસ્લાના સીઈઓ એલન મસ્કે પણ કાશ પટેલને FBIના 9મા ડિરેક્ટર તરીકે નિયુક્ત થવા બદલ અભિનંદન આપ્યા છે.

કાશ પટેલે ટ્રમ્પ-એટર્ની જનરલનો આભાર માન્યો
ગુરુવારે યુએસ સેનેટે કાશ પટેલની FBI ડિરેક્ટર તરીકે નિમણૂક કર્યા બાદ તેમણે કૃતજ્ઞતા વ્યક્ત કરી હતી અને એજન્સીને ‘પારદર્શક, જવાબદાર અને ન્યાય પ્રત્યે પ્રતિબદ્ધ’ બનાવવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. કાશ પટેલે રાષ્ટ્રપતિ ટ્રમ્પ અને એટર્ની જનરલ પામ બોન્ડીનો સમર્થન બદલ આભાર માન્યો હતો. તેમણે FBIમાં જાહેર વિશ્વાસ પુનઃસ્થાપિત કરવા માટે પોતાની પ્રતિબદ્ધતા પણ વ્યક્ત કરી હતી.

અલાસ્કાના સેનેટરોએ પટેલના નામાંકનનો વિરોધ કર્યો
અલાસ્કાના સેનેટર લિસા મુર્કોવસ્કી અને મેઈનના સુસાન કોલિન્સે તેમના નામાંકનનો વિરોધ કર્યો હોવા છતાં, તેમને સેનેટ લઘુમતી નેતા મિચ મેકકોનેલ સહિત અન્ય રિપબ્લિકનોએ ટેકો આપ્યો હતો. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, મિચે અગાઉ રાષ્ટ્રપતિ ટ્રમ્પના અન્ય નોમિનીનો વિરોધ કર્યો હતો.