June 24, 2024

અમેરિકામાં રાષ્ટ્રપતિની ચૂંટણી, એલન મસ્કે આપી EVMને લઈને મોટી ચેતવણી

US Elections: વિશ્વની સૌથી અમીર વ્યક્તિઓમાંની એક એલોન મસ્ક હમણાંથી ખૂબ જ ચર્ચામાં છે. ક્યારેક તેઓ કંપનીમાંથી કાઢી મૂકેલા કર્મચારીઓ પાસેથી પૈસા પાછા માગીને હેડલાઇન્સ બનાવે છે, તો ક્યારેક અન્ય કારણોસર. હવે મસ્કે અમેરિકામાં રાષ્ટ્રપતિની ચૂંટણી પહેલા જ ઈલેક્ટ્રોનિક વોટિંગ મશીન (EVM) પર સવાલ ઉઠાવ્યા છે.

તેમણે શનિવારે એક ચોંકાવનારો દાવો કરતા કહ્યુ હતુ કે, EVM હેક થઈ શકે છે અને તે ન વાપરવું જોઈએ. આ સાથે તેમણે અમેરિકન ચૂંટણીમાંથી EVM હટાવવાની માગ કરી હતી. ઉલ્લેખનીય છે કે, ટેસ્લાના સીઇઓ એલન મસ્કે અમેરિકાના રાષ્ટ્રપતિ પદના સ્વતંત્ર ઉમેદવાર રોબર્ટ એફ. કેનેડી જુનિયરની એક પોસ્ટ પર પ્રતિક્રિયા આપતા આ નિવેદન આપ્યું છે.

કેનેડીએ શું કહ્યું?
યુએસ પ્રમુખપદના ઉમેદવાર કેનેડી જુનિયરે એસોસિએટેડ પ્રેસને ટાંકીને ટ્વિટર પર પોસ્ટ કર્યું હતું. તેમાં તેમણે કહ્યું હતું કે, ‘પ્યુર્ટો રિકોની પ્રાથમિક ચૂંટણીમાં ઈલેક્ટ્રોનિક વોટિંગ મશીન સંબંધિત સેંકડો વોટિંગ ગેરરીતિઓ નોંધાઈ છે. સદનસીબે પેપર ટ્રેલ હતું, તેથી સમસ્યા ઓળખી શકાઈ હતી અને મત ગણતરીમાં સુધારો કરવામાં આવ્યો હતો. કલ્પના કરો કે જ્યાં પેપર ટ્રેલ નથી ત્યાં શું થાય છે?’

તેમણે વધુમાં કહ્યુ હતુ કે, અમેરિકન નાગરિકો માટે એ જાણવું જરૂરી છે કે તેમના દરેક મતની ગણતરી થઈ ગઈ છે. તેમની ચૂંટણીમાં કોઈપણ પ્રકારની દખલગીરી થઈ શકે નહીં. ચૂંટણીમાં ઈલેક્ટ્રોનિક હસ્તક્ષેપ ટાળવા માટે તેમણે પેપર બેલેટ પર પાછા ફરવું પડશે.

મસ્ક કેવો પ્રતિભાવ આપ્યો?
ટ્વિટર પર કેનેડી જુનિયરની પોસ્ટનો જવાબ આપતા એલન મસ્કે કહ્યુ હતુ કે, ‘આપણે ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીનોને દૂર કરવા જોઈએ. માણસો અથવા AI દ્વારા હેક થવાનું જોખમ ભલે ઓછું હોય, પણ તે છતાં ઘણું વધું છે.’