ગૃહમંત્રી અમિત શાહનો હુંકાર: ‘આતંકવાદીઓને શોધી-શોધીને મારીશું, કોઈને બક્ષવામાં નહીં આવે’

Amit Shah Pahalgam Attack: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આજે પાકિસ્તાનને ચેતવણી આપતાં કહ્યું કે, મોદી સરકાર આતંકવાદ સામે ઝીરો ટોલરન્સની નીતિ ધરાવે છે. અમે પહલગામ હુમલામાં સામેલ દરેક આતંકવાદીઓને શોધી-શોધીને મારીશું. સરકાર કોઈને પણ છોડશે નહીં.

અમિત શાહે કહ્યું કે પહલગામમાં આતંકવાદનો ભોગ બનેલા આપણા ભાઈ-બહેનોને શ્રદ્ધાંજલિ. હું તેમના પરિવારને કહેવા માંગુ છું કે આ દુઃખ ફક્ત તેમનું જ નહીં પરંતુ સમગ્ર દેશનું દુઃખ છે. અમે સમગ્ર દેશને કહેવા માંગીએ છીએ કે દેશના વડાપ્રધાન આતંકવાદ સામે ઝીરો ટોલરન્સની નીતિ અપનાવે છે. પહલગામ હુમલા બાદ જો તેઓ વિચારી રહ્યા હોય કે આ તેમની જીત છે. તો તમે ગેરસમજમાં છો.

આતંકવાદ સામેની લડાઈ ચાલુ રહેશે, યોગ્ય સજા આપવામાં આવશે
અમિત શાહના કહેવા પ્રમાણે, ‘આતંકવાદીઓએ આપણા 27 નાગરિકોના જીવ લઈને જંગ જીતી લીધી છે, તેઓ આ ભ્રમમાં ન રહે.’ તેમણે કહ્યું કે, તેઓ તેમના સંકલ્પને પુનરાવર્તિત કરવા માંગે છે કે આતંકવાદનો અંત ન આવે ત્યાં સુધી અમારી લડાઈ ચાલુ રહેશે. જેમણે આ કૃત્ય કર્યું છે તેમને ચોક્કસપણે યોગ્ય સજા આપવામાં આવશે.

આતંકવાદ સામે સમગ્ર વિશ્વ ભારતની સાથે ઉભું છે
ગૃહમંત્રીએ આતંકવાદીઓને ચેતવણી આપતા કહ્યું, ‘…કોઈને પણ છોડવામાં નહીં આવે. આ દેશની દરેક ઈંચ જમીનમાંથી આતંકવાદને જડમૂળથી ખતમ કરવાનો અમારો સંકલ્પ છે. આ લડાઈમાં માત્ર 140 કરોડ ભારતીયો જ નહીં પરંતુ સમગ્ર વિશ્વ ભારતની સાથે છે. આતંકવાદ સામેની આ લડાઈમાં દુનિયાના તમામ દેશો એકત્ર થઈ રહ્યા છે અને ભારતના લોકો સાથે છે.