જમ્મુ-કાશ્મીરમાં શાંતિ સાથે વિકાસ, આતંકવાદનો નાશ થઈ રહ્યો છેઃ અમિત શાહ
નવી દિલ્હીઃ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યુ છે કે, ‘કલમ 370ની આડમાં યુવાનોને અગાઉના રાજ્ય જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદના માર્ગે ધકેલી દેવામાં આવતા હતા. આ ઉપરાંત તેમણે કહ્યુ છે કે, કેન્દ્રશાસિત પ્રદેશમાં આતંકવાદ નાબૂદ કરી નાંખવામાં આવ્યો છે અને પથ્થરમારો ભૂતકાળ બની ગયો છે.
જમ્મુ અને કાશ્મીરની એક ખાનગી ચેનલ સાથે વાતચીત કરતા અમિત શાહે કહ્યુ હતુ કે, ‘કલમ 370ની ગેરસમજ ફેલાવવાનો પર્દાફાશ થયો છે. હંમેશા એવું કહેવામાં આવતું હતું કે, જમ્મુ અને કાશ્મીરમાં કલમ 370 નાબૂદ થવાથી સંસ્કૃતિ, ભાષા અને ઓળખનો અંત આવશે. પાંચ વર્ષ વીતી ગયા છે, પરંતુ હજુ સુધી કંઈ થયું નથી.’
આ પણ વાંચોઃ પોસ્ટરવોર મામલે BJPની કલેક્ટર સહિત રાજ્ય ચૂંટણી પંચમાં ફરિયાદ
તેઓ આગળ જણાવતા કહે છે કે, ‘આજે દરેક કાશ્મીરી આઝાદ છે અને પ્રવાસીઓથી હર્યુભર્યું રહે છે. ખોરાક અને ભાષાના મૂલ્યમાં વધારો થયો છે. એક અફવા ફેલાઈ હતી કે, કલમ 370 નાબૂદ થવાથી હજારો લોકો કાશ્મીરમાં આવશે અને કાશ્મીરીઓને ધમકી આપશે. પરંતુ આવું કંઈ થયું નથી.’
વર્ષ 2019માં 5મી ઓગસ્ટે કેન્દ્ર સરકારે 370ની કલમ હટાવીને જમ્મુ અને કાશ્મીરના વિશેષ દરજ્જાને નાબૂદ કર્યો હતો અને બે કેન્દ્રશાસિત પ્રદેશમાં વિભાજિત કરવાની જાહેરાત કરી હતી. અમિત શાહે આગળ જણાવ્યુ હતુ કે, ‘હું ફરીથી કાશ્મીરના લોકોને કહેવા માગુ છું કે, ભારતમાં ઘણાં રાજ્યો છે. ગુજરાતમાં ગુજરાતીઓની પોતાની સંસ્કૃતિ છે, બંગાળીઓની પોતાની સંસ્કૃતિ છે અને મરાઠીઓની પણ પોતાની સંસ્કૃતિ છે. મને ખુશી છે કે, જમ્મુ અને કાશ્મીરના લોકો પણ આ લાગણી અનુભવી રહ્યા છે.’
આ પણ વાંચોઃ રાજ્યમાં ગરમીનો પારો વધશે, સૌરાષ્ટ્ર-કચ્છમાં હિટવેવની આગાહી
તેમણે કહ્યુ હતુ કે, ‘જમ્મુ અને કાશ્મીરમાં કલમ 370ની આડમાં અલગતાવાદી વિચારધારાને પ્રોત્સાહન આપવામાં આવતું હતું. યુવાનોને આતંકવાદમાં ધકેલી દેવામાં આવતા હતા. પાકિસ્તાન તેનો દુરુપયોગ કરતું હતું. છેલ્લા ચાર દાયકામાં 40 હજારથી વધુ યુવાનોની હત્યા કરવામાં આવી છે. આજે કાશ્મીર અને જમ્મુમાં શાંતિ છે. આતંકવાદનો નાશ કરવામાં આવી રહ્યો છે. દ્વિવાર્ષિક દરબાર મૂવની પરંપરા નાબૂદ કરવામાં આવી છે. પથ્થરબાજી ભૂતકાળ બની ગઈ છે.’
આ ઉપરાંત તેઓ જણાવે છે કે, ‘ભ્રષ્ટાચારને ડામવા માટે ભ્રષ્ટાચાર વિરોધી બ્યુરોની રચના કરવામાં આવી છે. જનતાના પૈસા તેમના સુધી પહોંચી રહ્યા છે.’ ઉલ્લેખનીય છે કે, સુપ્રીમ કોર્ટે ભારતના ચૂંટણી પંચને જમ્મુ અને કાશ્મીરમાં 30 સપ્ટેમ્બર, 2024 સુધીમાં વિધાનસભા ચૂંટણી યોજવાનો નિર્દેશ આપ્યો છે.