October 11, 2024

50 વર્ષથી યોજાતી અનોખી ગરબી, બજરંગ રાસ મંડળ ગોવાળિયાના વેશમાં રમે છે ગરબા

દશરથસિંહ રાઠોડ, અમરેલીઃ નવરાત્રિમાં મા જગદંબાની આરાધના કરવા સૌ કોઈ ગરબા રમી રહ્યા છે. આ આધુનિક યુગમાં આજે પણ ગ્રામ્ય વિસ્તારોમાં પ્રાચીન ગરબા જોવા મળે છે. અમુક ગ્રામ્ય વિસ્તારોમાં ગોવાળિયાના વેશ પહેરી ગરબા રમી રહ્યા છે. આ પ્રાચીન ગરબાની પરંપરા ખાંભા ગીરના દાઢીયાળી ગામે બજરંગ રાસ મંડળે જાળવી રાખી છે.

અમરેલી-ખાંભા ગીરના દાઢીયાળી ગામે છેલ્લા 50 વર્ષથી પ્રાચીન ગરબા રમવામાં આવે છે. બજરંગ રાસ મંડળ દ્વારા આ ગરબા લેવામાં આવે છે. ચોરણી અને દેશી ભરતના કેડીઆ સાથે માતાજીની આરાધના કરવામાં આવે છે. વિવિધ પ્રકારે રાસ ગરબી લેવાય છે અને તબલાં-મંજીરા અને ઢોલ સાથે દેશી ગરબા ગવડાવવામાં આવે છે. આ ગરબા જોવા અને સાંભળવા દૂર દૂરથી લોકો આવે છે. આ બજરંગ રાસ મંડળ ભાવનગર, રાજકોટ, જૂનાગઢ સહિત શહેરોમાં દર નવરાત્રિમાં રાસ ગરબા રમવા જાય છે. ગીર કાંઠાના છેવાડાના દાઢીયારી ગામે આજે પણ આ રાસ મંડળને જોવા એકવાર આવે છે. કારણ કે હવે આ પ્રાચીન ગરબા જોવા દુર્લભ થતા જાય છે. ત્યારે બજરંગ રાસ મંડળમાં જુની પરંપરા જાળવી રાખી છે .

બજરંગ રાસ મંડળ અમરેલી જિલ્લામાં કક્ષાએ પ્રથમ નંબર આવેલી છે અને બજરંગ રાસ મંડળ નવરાત્રીમાં અલગ અલગ શહેરોમાં રમવા જાય છે. પોતાની કલા દેખાડી અનેક શહેરોના શિલ્ડ પ્રાપ્ત કરેલ છે. દેશી અને પ્રાચીન ગરબાની પરંપરાને જોવા દૂર દૂરથી લોકો આવે છે. પરંતુ વર્ષો સુધી આ પ્રાચીન ગરબાની તાલીમ અને એની હલક જોવા પણ અને શીખવા પણ અનેક યુવાનોને બાળકો દાઢીયાળી આવે છે. ત્યારે આ માતાજીના ગીતો ગરબાઓ ગાઈને છંદ-દુહા અને તબલાં-મંજીરાના તાલે રમઝટ બોલાવતા જય બજરંગ રાસ મંડળના ગાયન વૃંદ અને ખેલૈયાઓનો ઉત્સાહ અને શ્રદ્ધા કંઈક અલગ જ જોવા મળે છે.