સાવરકુંડલામાં 32 વર્ષીય મહિલાની હત્યા, પતિ બાળકોને લઈને ફરાર

અમરેલીઃ જિલ્લામાં અવારનવાર હત્યાના કિસ્સા બનતા હોય છે. ત્યારે સાવરકુંડલા તાલુકાના ખડકાળા ગામે 32 વર્ષીય પરિણીતાની હત્યા કરવામાં આવી છે. વહેલી સવારે કે મધરાતે પત્નીની તીક્ષ્ણ હથિયાર વડે હત્યા કરી હોવાનું પ્રાથમિક અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. ત્યારે આ ઘટનાની જાણ થતાં જ પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો.
બાળકોને લઈને પરણીતાનો પતિ ફરાર થઈ જતા પોલીસને પતિએ જ હત્યા કરી હોવાની આશંકા છે. પતિ પરેશ નિમાવત અને મૃતક પત્ની આશા નિમાવત ખડકાળા ગામે વૃદ્ધોને જમાડવાનું કામ કરતા હતા. રસોઈ ઘર ચલાવવા માટે ગ્રામજનો તેમને 11000 રૂપિયા જેટલું વેતન આપતા હતા. પરેશ નિમાવત મૂળ લીલીયા તાલુકાના પુંજાપાદર ગામનો વતની હોવાનું જાણવા મળ્યું છે.
તીક્ષ્ણ ઘા મારીને આશાબેનની હત્યા અંગે ગ્રામજનોએ તાલુકા પોલીસને જાણ કરી હતી. આ ઘટનાની જાણ થતાં જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને સમગ્ર મામલે તપાસ હાથ ધરી હતી. તાલુકા પોલીસે પંચનામું કરી આશાબેનના મૃતદેહને સાવરકુંડલા સિવિલ હોસ્પિટલે પીએમ માટે ખસેડ્યો છે.