September 20, 2024

અમરેલીના લખપતિ ખેડૂત, આધુનિક ખેતીથી કરે છે અધધધ કમાણી…

દશરથસિંહ રાઠોડ, અમરેલીઃ સૌરાષ્ટ્ર સહિત અમરેલી જિલ્લાના ગ્રામીણ વિસ્તારમાં ખેડૂતો હવે પરંપરાગત ખેતી છોડી અને આધુનિક પદ્ધતિની ખેતી અપનાવી લાખો રૂપિયાની કમાણી કરે છે. ત્યારે અમરેલી જિલ્લાના વડીયા ગામે રહેતા ખેડૂતે પ્રાકૃતિક ખેતી કરી અને ખેતીપાકનું મૂલ્ય વર્ધન કરી લાખો રૂપિયાની કમાણી કરી રહ્યા છે.

અમરેલી જિલ્લાના વડીયા ગામના ખેડૂત સંજયભાઈ ઢોલરીયા રહે છે. સંજયભાઈ ઢોલરીયા 8 પાસ છે અને હાલ કુલ 20 વીઘા જમીનમાં પ્રાકૃતિક ખેતી કરે છે. પ્રાકૃતિક ખેતીમાં ચોમાસામાં મગફળી અને કઠોળ પાકમાં ચોળી-મગ તેમજ અન્ય પાકનું વાવેતર કરવામાં આવે છે. ગાય આધારિત ખેતીની અપનાવેલી રીતથી અમરેલી જિલ્લામાં પ્રગતિશીલ ખેડુત તરીકે સંજયભાઈ ઢોલરિયાની પ્રાકૃતિક ખેતીના ખેતીપાક મણના નહીં પણ કિલોના ભાવે વેચાણ થાય છે.

દરેક ખેત જણસોને 1 કિલો, 5 કિલોના પેકિંગ કરીને મબલખ કમાણી કરતા ખેડૂત બન્યા છે. જેમાં મગફળીનું 10 વીઘામાં વાવેતર કરીને 200 મણનું ઉત્પાદન મેળવ્યું હતું. જેમાંથી કુલ 80 ડબા તેલ અને એક ડબાનો ભાવ 4000 રૂપિયા લેખે વેચાણ કરીને 3.20 લાખનું ઉત્પાદન મળ્યું હતું. જ્યારે શિયાળું વાવેતર કરવામાં આવ્યું હતું. જેમાં 17 વીઘાના ઘઉં અને 1 વીઘાના જવ અને 1 વીઘામાં જુવારનું વાવેતર કરવામાં આવ્યું હતું.

તેમાંથી 146 મણ પોખ તૈયાર કરવામાં આવ્યો હતો. જે ઘઉંના પોખનો ભાવ 1 કિલોના 300 રૂપિયા લેખે 8.75 લાખની આવક થઈ હતી અને 150 મણ સૂકા ઘઉંનું ઉત્પાદન મળ્યું હતું. જેમાં 1000 રૂપિયા મણનો ભાવ મળ્યો હતો અને દોઢ લાખનું ઉત્પાદન મળ્યું હતું. સંજયભાઈને જુવારનું 21 મણ ઉત્પાદન મળ્યું હતું અને 20 કિલોનો ભાવ 1600 મળ્યો હતો.

રાજ્યપાલ દ્વારા પ્રાકૃતિક ખેતી અપનાવવાના ધ્યેયથી કામ કરતા સંજયભાઈ ઢોલરિયા પ્રાકૃતિક ખેતીથી ઘઉંના પોખમાં કિલોના રૂપિયા 300 મેળવીને આજના ખેડૂતોને ગાય આધારિત પ્રાકૃતિક ખેતી કમાવવાની ઉજળી તકો દરેક ખેડૂત અપનાવે તો ખેતી અને ખેડૂત સદ્ધર થાય તે વાસ્તવિકતા સંજયભાઈ ઢોલરિયાએ સાબિત કરી છે.