November 24, 2024

ગુરપ્રીત સિંહ હત્યા કેસમાં સાંસદ અમૃતપાલ સિંહનો હાથ, પોલીસે કર્યો મોટો ખુલાસો

Amritpal Singh Gurpreet Singh Murder: તાજેતરમાં પંજાબના ફરીદકોટમાં ગુરપ્રીત સિંહ નામના વ્યક્તિની હત્યા કરવામાં આવી હતી. 9 ઓક્ટોબરે ફરીદકોટમાં ‘વારિસ પંજાબ દે’ના ફાઉન્ડર મેમ્બર ગુરપ્રીત સિંહની હત્યાના મામલામાં પંજાબ ડીજીપીએ શુક્રવારે એક પ્રેસ કોન્ફરન્સમાં મોટો ખુલાસો કર્યો હતો. પોલીસે હત્યામાં ખડૂર સાહિબ સીટના સાંસદ અને ખાલિસ્તાન સમર્થક અમૃતપાલ સિંહની સંડોવણીનો આરોપ લગાવ્યો છે. વિશેષ ટીમ બનાવી હત્યાનો ભેદ ઉકેલાયો છે.

સર્ચ ઓપરેશન શરૂ કર્યું
પંજાબ પોલીસના ડીજીપી ગૌરવ યાદવે ચંદીગઢમાં એક પ્રેસ કોન્ફરન્સમાં આ બાબતનો ખુલાસો કર્યો હતો. તપાસ દરમિયાન પોલીસને જાણવા મળ્યું કે આ હત્યામાં વિદેશમાં બેઠેલા ગેંગસ્ટર અર્શ દલ્લાનો પણ હાથ હતો. આ કેસમાં ત્રણ લોકોની ધરપકડ કરવામાં આવી છે. શૂટરોને શોધવા માટે સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે.

હત્યા અમૃતપાલ સિંહના કહેવા પર થઈ હતી
પોલીસે કહ્યું કે તપાસમાં જાણવા મળ્યું કે આ હત્યા અમૃતપાલ સિંહના કહેવા પર કરવામાં આવી હતી. ગુરપ્રીત સિંહને 2021માં ‘વારિસ પંજાબ’ ગ્રુપના ખજાનચી બનાવાયા હતા. દીપ સિદ્ધુના મૃત્યુ પછી તે અમૃતપાલની નજીક રહ્યો, પરંતુ બાદમાં અલગ થઈ ગયો. તેણે અમૃતપાલ વિરુદ્ધ સોશિયલ મીડિયા પર કેટલીક પોસ્ટ પણ કરી હતી. પોલીસનું કહેવું છે કે હાલ તમામ મુદ્દાઓની તપાસ કરવામાં આવી રહી છે. અમૃતપાલની પૂછપરછ કરવામાં આવશે. નોંધનીય છે કે, ગુરપ્રીત સિંહ હત્યા કેસની તપાસ માટે 4 સભ્યોની SITની રચના કરવામાં આવી હતી. જેમાં ત્રણ ડીએસપી અને એક એસપીનો સમાવેશ થાય છે.

ઉલ્લેખનયી છે કે, ગુરપ્રીત સિંહની ફરીદકોટના હરી નૌ ગામમાં ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. તેમની ઉંમર 32 વર્ષની હતી. ગુરપ્રીત પંચાયત ચૂંટણીમાં સરપંચ ઉમેદવારના પ્રચાર માટે હરી નૌ ગામ ગયો હતો. જેવો તે ત્યાંથી પાછો ફરવા લાગ્યો ત્યારે બાઇક સવાર ત્રણ શૂટરોએ ગોળીબાર કરીને તેની હત્યા કરી નાખી. કહેવાય છે કે ગુરપ્રીત સિંહ છેલ્લા કેટલાક સમયથી અમૃતપાલ સિંહ અને શીખ નેતાઓ વિરુદ્ધ નિવેદનો આપી રહ્યા હતા. તેના કારણે તેને સતત ધમકીઓ પણ મળી રહી હતી.