June 30, 2024

Amul Milk Price: અમૂલ દૂધના ભાવમાં 2 રૂપિયાનો વધારો લાગુ, જાણો કઈ પ્રોડક્ટનો કેટલો ભાવ

આણંદઃ લોકસભા ચૂંટણી પૂરી થતાં જ અમૂલે દૂધના ભાવમાં વધારો ઝીંક્યો છે. અમૂલ દૂધના ભાવમાં પ્રતિ લીટરે 2 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. અમૂલની અલગ અલગ પ્રોડક્ટના ભાવમાં 2 રૂપિયા સુધીનો ભાવવધારો કરવામાં આવ્યો છે. આ ભાવવધારો 3 જૂનથી અમલમાં આવ્યો છે. અમૂલની અમૂલ ગોલ્ડ, અમૂલ શક્તિ, ટી સ્પેશિયલ સહિતની પ્રોડક્ટના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે.

GCMMFએ નવા ભાવ જાહેર કર્યા
ગુજરાત કો-ઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશને (GCMMF) નવા ભાવ જાહેર કર્યા છે. તાજા પાઉચ દૂધના ભાવમાં અંદાજે 10 રૂપિયાનો વધારો કર્યો છે. દેશભરના તમામ બજારોમાં 3જી જૂન, 2024થી પ્રતિ લિટર રૂપિયા 2નો ભાવવધારો લાગુ થશે. પ્રતિ લિટર રૂપિયા 2નો વધારો એમઆરપીમાં 3-4%ની રેન્જમાં વધારો કરે છે, જે સરેરાશ ખાદ્ય ફૂગાવા કરતાં ઘણો ઓછો છે. ઉલ્લેખનીય છે કે, ફેબ્રુઆરી 2023થી અમૂલે મુખ્ય બજારોમાં ફ્રેશ પાઉચ દૂધના ભાવમાં કોઈ વધારો કર્યો નથી.

ભાવવધારો દૂધ ઉત્પાદકોને પ્રોત્સાહિત કરવા માટે
GCMMFએ જણાવ્યું છે કે, આ ભાવવધારો એકંદર ઓપરેશનલ ખર્ચ અને દૂધના ઉત્પાદનમાં થયેલા વધારાને કારણે કરવામાં આવ્યો છે. અમારા સભ્ય યુનિયનોએ પણ છેલ્લા એક વર્ષમાં ખેડૂતોના ભાવમાં અંદાજે 6-8%નો વધારો કર્યો છે. અમૂલે પોલિસી બનાવી છે કે, દૂધ ઉત્પાદકોને દૂધ અને દૂધની બનાવટો માટે ગ્રાહકો દ્વારા ચૂકવવામાં આવતા દરેક રૂપિયાના લગભગ 80 પૈસા ચૂકવે. ભાવ સુધારણા અમારા દૂધ ઉત્પાદકોને દૂધના વળતરના ભાવ ટકાવી રાખવામાં અને તેમને વધુ દૂધ ઉત્પાદન માટે પ્રોત્સાહિત કરવામાં મદદ કરશે.

કઈ પ્રોડક્ટમાં કેટલો ભાવવધારો?

દૂધ કેટલું કિંમત (રૂપિયામાં)
અમૂલ બફેલો મિલ્ક 500 મિલી 36
અમૂલ બફેલો મિલ્ક 1 લિટર 71
અમૂલ ગોલ્ડ મિલ્ક 500 મિલી 33
અમૂલ ગોલ્ડ મિલ્ક 1 લિટર 66
અમૂલ શક્તિ મિલ્ક 500 મિલી 30
અમૂલ ટી સ્પેશિયલ 500 મિલી 31
અમૂલ ટી સ્પેશિયલ 1 લિટર 62
અમૂલ ગાય મિલ્ક 500 મિલી 28
અમૂલ દેશી A2 ગાયનું દૂધ 500 મિલી 33
અમૂલ તાઝા 500 મિલી 10
અમૂલ ચાય માઝા 500 ML 27
અમૂલ ચાય માઝા 1 લિટર 54
અમૂલ સ્લિમ એન્ડ ટ્રીમ 500 મિલી 24
અમૂલ સ્લિમ એન્ડ ટ્રીમ 1 લિટર 47
અમૂલ સ્લિમ એન્ડ ટ્રીમ 200 મિલી 10