September 17, 2024

AMCના લાઈટ ડિપાર્ટમેન્ટમાં અંધેર રાજ, વિપક્ષના સણસણતા આક્ષેપો

જયેશ ચૌહાણ, અમદાવાદ: અમદાવાદ કોપોરેશનના લાઇટ વિભાગ સામે વિપક્ષ દ્વારા ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે. AMCમાં વિપક્ષના નેતા અને કોંગ્રેસના કોર્પોરેટર શહેઝાદખાન પઠાણે આક્ષેપો કર્યા છે. AMCમાં વિપક્ષના નેતાએ કહ્યું છે કે AMCના લાઈટ ડિપાર્ટમેન્ટમાં અંધેર રાજ ચાલે છે. સ્ટ્રીટ લાઈટના અધિકારીઓ દ્વારા રાત્રે કોઈ રાઉન્ડ લેવાતો નથી. વર્ષ 2023-24માં સ્ટ્રીટ લાઈટ અંગેની કુલ 95588 ફરિયાદો મળી હતી. અમદાવાદ શહેરમાં સ્ટ્રીટ લાઈટ અંગેની દરરોજ સરેરાશ 400 જેટલી ફરિયાદો મળે છે.

મહત્વનું છે કે, સને 2023-24 માં 95588 મળી કુલ 1,88,127 જેટલી સ્ટ્રીટ લાઈટ અંગેની ફરિયાદો મળે છે જેથી અંદાજે રોજની 400 જેટલી ફરિયાદો પ્રજાજનો દ્વારા કરવામાં આવે છે. પ્રજાજનો દ્વારા ઓનલાઇન કરિયાદ કર્યાના કલાકો બાદ ફરિયાદનો ઉકેલ આવી ગયેલ છે તે બાબતનો મેસેજ મોકલી દેવામાં આવે છે પરંતુ સમસ્યાઓ યથાવત જ રહેવા પામે છે.

સ્ટ્રીટ લાઇટ ના પોલનું સમયાંતરે નિયમિત સુપરવિઝન તથા સ્ટ્રીટ લાઈટ બંધ હોવા બાબતની ફરિયાદોનો તાકીદે નિકાલ નહીં કરાતા મ્યુનિસિપલ કોર્પોરેશન નું લાઈટ ડિપાર્ટમેન્ટ અંધેર રાજ ચાલે છે તંત્રના અધિકારીઓ દ્વારા નિયમિત મોનિટરિંગ પણ કરવામાં નથી આવતું થોડા સમય પહેલા મ્યુનિસિપલ કમિશનર શ્રી દ્વારા તંત્રના અધિકારીઓને નિયમિત રાત્રે રાઉન્ડ લઈને સ્ટ્રીટ લાઈટ બંધ હોવા બાબતે તપાસ કરી તેનો ઉકેલ લાવવા આદેશ આપેલ હતું પરંતુ “શેઠની શિખામણ ઝાંપા સુધી” જેવી માન્યતા ધરાવતું તંત્ર મ્યુનિસિપલ કમિશનર શ્રી ના આદેશની પણ અવગણના કરેલ હોય તેમ જણાય છે.

સ્ટ્રીટ લાઈટો બંધ હોવાના કારણે મ્યુનિસિપલ કોર્પોરેશન તથા પ્રજા બંને બાજુથી પીડાય છે એક તરફ લાઈટ ના બિલ નું ભારણ આવે છે બીજી તરફ અંધકારમય વાતાવરણમાં અકસ્માતો તથા ચોરી લૂંટફાટના બનાવો વધવા પામે છે જેથી સ્ટ્રીટ લાઈટ બંધ હોવા બાબતની સમસ્યાઓનો ત્વરીત નિકાલ આવે તે રીતનું વ્યવસ્થા તંત્ર તાકીદે ગોઠવવા કોંગ્રેસ પક્ષની માંગણી છે.

સ્ટ્રીટ લાઈટના બંધ પોલની ફરીયાદો

ઝોન 01-09-22 થી 31-08-23 01-09-23 થી 31-08-24 કુલ
મધ્ય 12174 13641 25815
પૂર્વ 11307 12281 23588
ઉત્તર 13366 14037 27403
ઉત્તર પશ્ચિમ 10641 11173 21814
દક્ષિણ પશ્વિમ 19152 18322 37474
દક્ષિણ 7875 150 8025
પશ્વિમ 18722 18259 36981
કુલ 92539 95588 1,88,127