May 14, 2024

અરવિંદ કેજરીવાલની ધરપકડ બાદ અન્ના હજારેએ કહ્યું, મારી વાત ન માની એટલે….

નવી દિલ્હી: દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દ્વારા 21 માર્ચ ગુરુવારે દિલ્હીના કથિત દારૂ કૌભાંડમાં ધરપકડ કરવામાં આવી હતી. ત્યારબાદ આમ આદમી પાર્ટીના તમામ નેતાઓમાં ગુસ્સાનું વાતાવરણ છે. કેજરીવાલની ધરપકડ બાદ સમાજસેવક અન્ના હજારેએ પ્રતિક્રિયા આપી છે. કેજરીવાલની ધરપકડ પર ટિપ્પણી કરતા તેમણે કહ્યું કે એક સમયે અમે બંને દારૂ જેવા ભ્રષ્ટાચાર સામે એક સાથે ઉભા હતા અને આજે તે પોતે જ દારૂ બનાવી રહ્યા છે. અરવિંદે ક્યારેય મારી વાત સાંભળી નથી અને હું આનાથી દુઃખી છું.

અન્ના હજારેએ કહ્યું કે મેં કેજરીવાલને દારૂની નીતિ બંધ કરવા માટે ઘણી વખત પત્ર લખ્યા છે, દારૂની નીતિ પર પત્ર લખવાનો મારો હેતુ અન્યાયનો અંત લાવવાનો હતો. દારૂના કારણે લોકોની હત્યાના કિસ્સા વધે છે અને મહિલાઓ પર અત્યાચાર થાય છે, આ કારણે મેં દારૂની નીતિ બંધ કરવાની વાત કરી હતી, પરંતુ અરવિંદના મગજમાં મારી વાત ન આવી અને તેણે દારૂની નીતિ શરૂ કરી. આખરે આ જ દારૂની નીતિને કારણે તેની ધરપકડ કરવામાં આવી હતી. તેમણે વધુમાં કહ્યું કે હવે અરવિંદ કેજરીવાલ અને દિલ્હી સરકાર એ વાત પર ધ્યાન આપશે કે જેમણે ભૂલો કરી છે તેમને સજા મળવી જોઈએ.

આ પણ વાંચો: દિલ્હીના સીએમ કેજરીવાલની ધરપકડ બાદ સુરતમાં વિરોધનો વંટોળ

વર્ષ 2022થી તપાસ શરૂ થઈ
નવેમ્બર 2021માં દિલ્હી સરકારે દારૂની નીતિ જાહેર કરી હતી. આ નીતિ હેઠળ દિલ્હીમાં 21 ઝોન બનાવવામાં આવ્યા હતા અને દરેક ઝોનમાં 27 દુકાનો ખોલવાની યોજના હતી. પરંતુ ટૂંક સમયમાં જ આ નીતિનો વિરોધ શરૂ થયો હતો. જુલાઈ 2022 માં દિલ્હીના મુખ્ય સચિવે આ નવી નીતિ વિરુદ્ધ અનિયમિતતાઓ વિશે માહિતી આપી. ત્યારબાદ આ મામલાની તપાસ શરૂ થઈ અને સપ્ટેમ્બર 2022 થી આ કેસમાં ધરપકડ શરૂ થઈ.

અત્યાર સુધીમાં 16 નેતાઓની ધરપકડ કરવામાં આવી છે
સીબીઆઈએ સપ્ટેમ્બર 2022માં આમ આદમી પાર્ટીના કોમ્યુનિકેશન ચીફ અને લિકર પોલિસી વિજય નાયરની ધરપકડ કરી હતી. નાયર કેજરીવાલની ખૂબ નજીક હોવાનું કહેવાય છે. ત્યારપછી આ કેસમાં કુલ 16 નેતાઓની ધરપકડ કરવામાં આવી છે. કેજરીવાલ પહેલા દિલ્હીના તત્કાલિન નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયા, રાજ્યસભા સાંસદ સંજય સિંહ અને પૂર્વ મુખ્યમંત્રી કે ચંદ્રશેખર રાવની પુત્રી કે કવિતાની આ કેસમાં ધરપકડ થઈ ચૂકી છે. આ કેસમાં AAPના રાજ્યસભા સાંસદ સંજય સિંહ પણ જેલમાં છે.