ગુજરાતમાં વધુ એક આંદોલનના મંડાણ, આ વિષયોના શિક્ષકોએ સરકાર સામે બાયો ચઢાવી
મલ્હાર વોરા, ગાંધીનગર: રાજ્ય સરકાર સામે એક પછી એક આંદોલનો સામે આવી રહ્યા છે રાજ્યના પાટનગર એવા ગાંધીનગરમાં શિક્ષકોની ભરતીની જાહેરાત બાદ પણ આંદોલન યથાવત જોવા મળી રહ્યું છે હવે આંદોલન કોમ્પ્યુટર, વ્યાયામ, સંગીત, ચિત્ર સહિતના અન્ય વર્ગમાં શિક્ષકોની ભરતી કરવા માટે ઉમેદવારોએ સરકાર સામે બાયો ચઢાવી છે.
રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલ દ્વારા નિર્ણય જાહેર કરવામાં આવ્યું હતું કે રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા આગામી ડિસેમ્બર માસ સુધીમાં 24,700 જેટલા શિક્ષકોની ભરતી કરવામાં આવશે. જોકે, જાહેરાત થયાને હજુ એક સપ્તાહ જેટલો પણ સમય નથી થયો ત્યાં અન્ય ઉમેદવારોએ સરકાર સમક્ષ નારાજગી વ્યક્ત કરી છે. ઉમેદવારોનું કહેવું છે કે રાજ્ય સરકાર દ્વારા 24,700 જેટલા શિક્ષકોની ભરતીની જાહેરાત કરવામાં આવી છે. પરંતુ, આ ભરતીમાં વ્યાયામ, ચિત્ર, કોમ્પ્યુટર અને સંગીત જેવા વિષયો માટેના શિક્ષકોની ભરતીની કોઈ જાહેરાત કરી નથી. જેથી આ વિષયમાં બી. એડ. કરીને ઉત્તીર્ણ થનારા ઉમેદવારોમાં નારાજગી ફેલાઈ ગઈ છે.
ઉમેદવારોએ સરકાર સમક્ષ સીધો આક્ષેપ કર્યો હતો કે વર્ષ 2011માં રાજ્ય સરકારે કોમ્પ્યુટર વિષયને પ્રાધાન્ય આપીને તેનો બીએડમાં સમાવેશ કર્યો હતો. જો કે 11 વર્ષના ગાળામાં જ રાજ્ય સરકારે કોમ્પ્યુટર વિષયને હાંસિયામાં ધકેલી દીધું છે. મોટી સંખ્યામાં ઉમેદવારોએ કોમ્પ્યુટર વિષયમાં બી.એડ સહિત અન્ય અભ્યાસો કર્યા છે છતાં પણ ગુજરાત સરકાર કોમ્પ્યુટર જવાબ વિષયની અંદર ભરતી પ્રક્રિયા કરીને શિક્ષક બનાવતી નથી. આજે પણ ગાંધીનગર ખાતે મોટી સંખ્યામાં કોમ્પ્યુટર વ્યાયામ સંગીત અને ચિત્ર બી.એડ પાસ થયેલા ઉમેદવારો પોતાની રજૂઆત કરવા માટે પહોંચ્યા હતા ઉમેદવારની એક જ માંગ હતી કે રાજ્ય સરકાર આ વિષયોને પણ પ્રાધાન્ય આપે અને તેમાં પણ મોટાપાયે ભરતી કરે જેથી આ વિષયમાં ટેટ, ટાટ અને બીએડ પાસ થયેલા આ વિષયના ઉમેદવારોને પણ શિક્ષક બનવાની તક મળે તે માટે રાજ્ય સરકારે ભરતીની જાહેરાત કરવી જોઈએ.
જો કે ઉમેદવાર ની એક જ માગ છે રાજ્ય સરકાર આ તમામ વિષયોની ભરતીની જાહેરાત કરે. આજે તમામ ઉમેદવાર રાજ્યના મુખ્યમંત્રી સહિત શિક્ષણ મંત્રીને મળવા માટે આવ્યા હતા. પરતું મુખ્યમંત્રી ઉમેદવાર ને મળ્યા ન હતા પરંતુ શિક્ષણ મંત્રી મળ્યા બાદ પણ ઉમેદવાર ને સંતોષકાર જવાબ મળ્યો નથી. જેથી ઉમેદવારમાં નારાજગી જોવા મળી રહી છે. જો કે, હવે ઉમેદવારની એક માગ છે કે સરકાર આ વિષયોની ભરતી નહિ કરે તો આવનારા દિવસોમાં આંદોલન કરવામાં આવશે.