September 12, 2024

શેખ હસીનાને વધુ એક ઝટકો, બાંગ્લાદેશની વચગાળાની સરકારે રદ્દ કર્યો પાસપોર્ટ

Sheikh Hasina Passport : બાંગ્લાદેશની વચગાળાની સરકારે એક મોટો નિર્ણય લીધો છે. શેખ હસીનાના કાર્યકાળ દરમિયાન સાંસદોને આપવામાં આવેલા તમામ રાજદ્વારી પાસપોર્ટ સરકારે રદ કરી દીધા છે. આ નિર્ણય સાથે પૂર્વ વડાપ્રધાન શેખ હસીનાનો પાસપોર્ટ પણ રદ્દ કરી દેવામાં આવ્યો છે. બાંગ્લાદેશના ગૃહ વિભાગે આ માહિતી આપી છે. મોહમ્મદ યુનુસની આગેવાની હેઠળની વચગાળાની સરકારે ભૂતપૂર્વ વડા પ્રધાન શેખ હસીના અને અવામી લીગ સરકારના ભૂતપૂર્વ સાંસદોના રાજદ્વારી પાસપોર્ટ રદ કર્યા છે. બુધવારે સાંજે નિર્ણયની જાહેરાત કરતા ગૃહ મંત્રાલયે કહ્યું કે પાછલી સરકાર દરમિયાન સાંસદોને જારી કરાયેલા તમામ રાજદ્વારી પાસપોર્ટ રદ કરવામાં આવશે. આ પગલાને કારણે શેખ હસીનાનો રાજદ્વારી પાસપોર્ટ પણ રદ કરવામાં આવ્યો હતો. ગૃહ મંત્રાલયે ભારપૂર્વક જણાવ્યું હતું કે આ નિર્ણય પરામર્શ બાદ લેવામાં આવ્યો છે.

પાસપોર્ટ રદ કરવા પાછળ આ કારણ આપવામાં આવ્યું હતું
જો સૂત્રોનું માનીએ તો, વચગાળાની સરકાર દ્વારા પાસપોર્ટ રદ કરવા માટે કેટલાક કારણો આપવામાં આવ્યા છે. જેનું મુખ્ય કારણ એ છે કે શેખ હસીના વિરુદ્ધ અત્યાર સુધીમાં 44 થી વધુ ક્રિમિનલ કેસ નોંધાયા છે. હજુ પણ કેટલાક કેસ નોંધાઈ શકે છે. આવી સ્થિતિમાં તેમના પર પ્રતિબંધ મૂકવા માટે રાજદ્વારી પાસપોર્ટ રદ કરવા જરૂરી છે. આ ઉપરાંત તેમના કાર્યકાળ દરમિયાન જારી કરાયેલા અન્ય સાંસદોના પાસપોર્ટ પણ રદ કરવામાં આવ્યા છે.

આ પણ વાંચો: મુંબઈની 13 વર્ષની સગીરા સાથે દુષ્કર્મ, સામે આવ્યું ગુજરાત કનેક્શન

તમને જણાવી દઈએ કે બાંગ્લાદેશમાં હિંસક અનામત વિરોધી આંદોલન બાદ શેખ હસીનાએ ઢાકા છોડીને ભાગી જવું પડ્યું હતું. આ પછી પ્રદર્શનકારીઓએ પીએમના આવાસમાં તોડફોડ પણ કરી હતી. કેટલાક અખબારોમાં માલસામાનની લૂંટના અહેવાલો પણ પ્રકાશિત થયા હતા. શેખ હસીનાએ ગાઝિયાબાદના હિંડન એરપોર્ટ પર ઉતરીને ભારતમાં આશરો લીધો હતો. તે દિલ્હીમાં રહે છે. તેમનો રાજદ્વારી પાસપોર્ટ રદ થયા બાદ હજુ સુધી કોઈ નિવેદન આવ્યું નથી.