NEETની પરીક્ષાને લઈને ફરી ગેરરીતિ! 75 લાખથી 1 કરોડમાં 650+ માર્ક્સ અપાવવાની ગેરંટી

Rajkot: દેશભરમાં આવતી કાલે 4 મેના રોજ NEETની પરીક્ષા લેવામાં આવશે. આ પરીક્ષામાં ગુજરાતમાંથી અંદાજિત 80 હજાર વિદ્યાર્થીઓ ભાગ લેશે. જ્યારે દેશભરમાંથી 23 લાખ વિદ્યાર્થીઓ આ પરીક્ષામાં ભાગ લેશે. પરંતુ ગત વખતે NEETની પરીક્ષામાં ગેરરીતિનું ગોધરા કનેક્શન નીકળ્યું હતું. આ વખતે પણ એજન્ટો દ્વારા 75 લાખથી 1 કરોડમાં NEETમાં 650+ માર્ક્સ અપાવી દેવાનો ખુલાસો થયો છે. આ ઘટનાને લઈને તેની ઓડિયો લીક થતાં ફરીથી ચકચાર મચી જવા પામી છે.

મળતી માહિતી અનુસાર આ ષડયંત્રમાં ગુજરાતના 8 વિદ્યાર્થી શંકાના ડાયરામાં છે. રાજકોટના વાલીને ટોળકીના વચેટિયાએ અમદાવાદ બોલાવી હોટેલમાં કરેલી ડીલની વિગતો મળી આવી છે. જોકે, કર્ણાટક, મધ્યપ્રદેશ સહિતના રાજ્યો સુધી આ નેટવર્ક ફેલાયેલું છે. કાલે લેવાનારી NEETની પરીક્ષામાં કુલ 85 વિદ્યાર્થીને 650+ માર્ક્સ અપાવી દેવાની ગેરેંટી આપવામાં આવી છે. તેમજ જે રાજ્યમાં વિદ્યાર્થી ભણતો હોય તેના આધારકાર્ડ 4-5 માસ અગાઉ અન્ય રાજ્યના બનાવી દેવાય છે.

આ પણ વાંચો: પાકિસ્તાનના પૂર્વ પીએમ ઇમરાન ખાનની પાર્ટીના 82 નેતાઓને જેલની સજા, જાણો સમગ્ર મામલો

નોંધનીય છે કે, NEETમાં ગેરરીતિની CBI સહિત 11 જગ્યાએ વાલીએ ફરિયાદ કરી છે. તેમણે જણાવ્યું છે કે, ગેરરીતિ વાળા કેન્દ્રો પર વિજિલન્સ મુકવી જોઈએ. આધારકાર્ડ બદલનારની તપાસ કરી પ્રતિબંધ મુકવો જોઈએ. અમદાવાદના એક કલાસિસ સંચાલકની પણ ભેદી ભૂમિકા હોવાનું સામે આવ્યું છે.