December 3, 2024

અરવલ્લીમાં ખેડૂતોને મોટું નુકસાન, ટેકાના ભાવે મગફળીની ખરીદી શરૂ કરવા માગ

સંકેત પટેલ, મોડાસાઃ અરવલ્લી જિલ્લામાં સૌથી વધુ વાવેતર મગફળીનું થયું છે. ખેડૂતો યાર્ડમાં હાલ ઓછા ભાવ મળી રહ્યા છે. જેમાં ખેડૂતોને એક મણમાં 200 રૂપિયાનું નુકસાન વેઠવું પાડી રહ્યું છે. સરકાર એક મહિના પહેલા જ ટેકાના ભાવે મગફળીની ખરીદી શરૂ કરે તેવી ખેડૂતોની માગણી છે.

અરવલ્લી જિલ્લામાં ખેડૂતોએ ચોમાસું સિઝનમાં મગફળીનું વ્યાપક વાવેતર કર્યું હતું. 80 હજાર હેક્ટર જમીન મગફળી 20ને 24 નંબરનું વાવેતર કરવામાં આવ્યું હતું. જિલ્લામાં સિઝનના અંતમાં વરસાદ પણ બહુ પડ્યો હતો. તેના કારણે ખેડૂતોને ઉત્પાદનમાં ઘટ થવાનો ભય હતો. ત્યારે હવે મગફળીનો પાક તૈયાર થઈ ગયો છે. દિવાળીનો તહેવાર સામે છે ત્યારે ખેડૂતોને રૂપિયાની તાતી જરૂરિયાત ઊભી થઈ છે. જેને લઈને મગફળી સસ્તા ભાવે વેચવા અમુક ખેડૂતો મજબૂર બન્યા છે. જિલ્લાના યાર્ડોમાં હાલ મગફળીનો 1100થી 1300 રૂપિયા ભાવ પડી રહ્યો છે. એમાંય 20 નંબર મગફળી તો માત્ર 1000 રૂપિયામાં વેચાઈ રહી છે. ત્યારે ખેડૂતો સરકારે ટેકાના નક્કી કરેલા 1356 રૂપિયાના ભાવ સામે 200 રૂપિયાથી વધુ નુકશાન સહન કરવું પડી રહ્યું છે.

ખેડૂતો એવી માગ કરી રહ્યા છે કે સરકાર નિયમિત રૂપે લાભ પાંચમથી મગફળીને ટેકાના ભાવે ખરીદી શરૂ કરે છે. જેને એક મહિનાની વાર છે. ત્યારે ખેડૂતો કહી રહ્યા છે કે, સરકાર તુરંત ટેકાના ભાવે ખરીદી કરે જેથી ખેડૂતોને શિયાળું પાક માટે વાવેતર કરવા બિયારણ લાવવા માટે દેવું ન કરવું પડે. આ સંજોગોમાં દિવાળી ખેડૂતો સારી રીતે ઉજવી શકશે. સરકારે દિવાળી પહેલા ટેકાના ભાવે ખેડૂતો પાસે મગફળી લેવાની શરૂઆત કરવી જોઈએ. જેથી ખેડૂતોને સસ્તા ભાવે યાર્ડમાં વેચવા મજબૂર ન બનવું પડે. ખેડૂતો ઈચ્છી રહ્યા છે કે, સરકાર ખેડૂતો માટે દેવદૂત બની નિર્ણય ઝડપી કરે.