મોડાસામાં રોંગ સાઇડમાં આવતા વાહનોથી અકસ્માતનું જોખમ
સંકેત પટેલ, અરવલ્લીઃ જિલ્લાના વડામથક મોડાસામાં આશરે 4 કિમી લાંબા બાયપાસ પટ્ટામાં ઠેર-ઠેર રોંગ સાઈડે આવતા વાહનોને કારણે ટ્રાફિક વકર્યો છે. પૂરપાટ ઝડપે અને બેફામ આવતા વાહનોને કારણે અકસ્માતોનું પ્રમાણ પણ વધ્યું છે. ત્યારે જોખમી ટ્રાફિકનું નિવારણ લાવવા માટે બાયપાસ માર્ગની માગણીની રજુઆત હજુ પણ અધ્ધરતાલ છે.
મોડાસાના બાયપાસ માર્ગે કલેક્ટર કચેરી, આરટીઓ કચેરી, ભાજપનું મધ્યસ્થ કાર્યાલય શ્રી કમલમ્, હોટલો, શાળાઓ, મંદિરો સહિત રેસિડેન્સિયલ સોસાયટીઓ આવેલી છે. પરંતુ આ બાયપાસ માર્ગે જરૂરી સર્વિસ રોડના અભાવે વાહનચાલકો રોંગ સાઈડે વાહન હંકારી અકસ્માતોનું જોખમ સર્જી રહ્યા છે. ભૂતકાળમાં આવા રોંગ સાઈડે હંકારાતા વાહનોને લઈ જીવલેણ અકસ્માતો પણ સજાર્યા છે. શાળાએ જતા અને રોંગ સાઈડે હંકારાતી સ્કૂલવાનોમાં બાળકો સામે જોખમ તોળાઈ રહ્યું છે.
તંત્રની ઢીલી નિતીને લઈ આ બાયપાસ માર્ગે છેલ્લા બે વર્ષથી દરખાસ્ત કરાયેલા સર્વિસ રોડની મંજૂરી ગાંધીનગર અટવાઈ હોવાની ચર્ચાઓ ઉઠી છે. મોડાસાના બાયપાસ માર્ગે આનંદપુરાથી એન્જિનિયરીંગ કોલેજ સુધીના અંદાજે 5 કિમીના સર્વિસ રોડ માટે માર્ગ અને મકાન વિભાગ દ્વારા અમદાવાદ વર્તુળ કચેરીએ બે વિકલ્પની દરખાસ્ત કરી હતી.
તેમાં વિકલ્પ-1 પ્રમાણે રસ્તાની બંને તરફ 5.50 મીટર પહોળા સર્વિસ રોડ માટે 24.77 કરોડ અને વિકલ્પ-2 મુજબ રસ્તાની બંને તરફ 7 મીટર પહોળા સર્વિસ રોડ માટે 27.34 કરોડ રૂપિયા ઉપરાંત માજુમ નદી પર બ્રિજ સહિતની દરખાસ્ત કરી હતી. માર્ગ અને મકાન વિભાગ વર્તુળ કચેરી અમદાવાદ દ્વારા વર્ષ 2022માં ઉપસચિવ, માર્ગ અને મકાન વિભાગને જાણ કરી હતી.