March 15, 2025

મુસ્લિમો વિરુદ્ધ તાકાતનો ખોટો ઉપયોગ! BJP નેતાઓના નિવેદનોથી ઓવૈસી લાલઘૂમ

Asaduddin Owaisi: AIMIMના પ્રમુખ અસદુદ્દીન ઓવૈસીએ મુસ્લિમોને લઈને પ્રતિક્રિયા આપી છે. ઓવૈસીએ કહ્યું છે કે, મુસ્લિમો વિરુદ્ધ તાકાતનો ખોટો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે . સન્માન અને ગૌરવ એ બંધારણમાં આપવામાં આવેલા મૂળભૂત અધિકારો છે. ઓવૈસીએ અહીં એક સભાને સંબોધિત કરતી વખતે મહારાષ્ટ્રમાં એક મસ્જિદ પર થયેલા હુમલા અને ભાજપના નેતા શુભેન્દુ અધિકારી દ્વારા કરવામાં આવેલી ટિપ્પણીનો ઉલ્લેખ કરતા આ વાત કહી હતી.

ભારતીય જનતા પાર્ટીના નેતા સુવેન્દુ અધિકારીએ એક નિવેદનમાં કહ્યું હતું કે જો ભાજપ સત્તામાં આવશે તો તૃણમૂલ કોંગ્રેસના (ટીએમસી) મુસ્લિમ ધારાસભ્યોને પશ્ચિમ બંગાળ વિધાનસભામાંથી હાંકી કાઢવામાં આવશે.

ઓવૈસીએ ઉત્તર પ્રદેશના એક ભાજપ નેતાની ટિપ્પણીનો પણ ઉલ્લેખ કર્યો હતો જેમણે સૂચન કર્યું હતું કે મુસ્લિમ પુરુષોએ હોળી દરમિયાન અસુવિધા ટાળવા માટે તાડપત્રીથી બનેલા હિજાબ પહેરવા જોઈએ. હોળીના અવસર પર ઘરે શુક્રવારની નમાજ અદા કરવા અંગે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગીની ટિપ્પણીનો ઉલ્લેખ કરતા ઓવૈસીએ બંધારણની કલમ 25 નો ઉલ્લેખ કર્યો જે ધાર્મિક સ્વતંત્રતાની ખાતરી આપે છે.

આ પણ વાંચો: મહાકુંભ પછી હોળીએ સનાતનના વિરોધીઓને આપ્યો જવાબ: CM યોગી

ધાર્મિક વિદ્વાનો પાસેથી શીખીશું
તેમણે કહ્યું કે તેઓ ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી પાસેથી નહીં પરંતુ ધાર્મિક વિદ્વાનો પાસેથી ધર્મ વિશે શીખશે. હૈદરાબાદના સાંસદ ઓવૈસીએ કહ્યું કે એક મુખ્યમંત્રી કહી રહ્યા છે કે શુક્રવારની નમાજ ઘરે પણ અદા કરી શકાય છે. શું મારે તેમની પાસેથી ધર્મ વિશે શીખવું જોઈએ? અહીં ધર્મની સ્વતંત્રતા છે. આપણે મસ્જિદ જઈશું. કારણ કે, આપણને ધાર્મિક સ્વતંત્રતાનો અધિકાર છે. બંધારણની કલમ 25 મને આ કરવાની પરવાનગી આપે છે. હું તમારી પાસેથી મારો ધર્મ નહીં શીખું.