February 25, 2025

આશિષ ચંચલાણી અને રણવીર અલ્હાબાદિયા સાયબર સેલ પહોંચ્યા, બે કલાક સુધી પૂછપરછ ચાલી

India got latent: ‘ઈન્ડિયાઝ ગોટ લેટેન્ટ’ સંબંધિત વિવાદ બાદ મહારાષ્ટ્રના સાયબર સેલે સમય રૈના સાથે શોમાં હાજર રહેલા આશિષ ચંચલાની અને રણવીર અલ્હાબાદિયાને સમન્સ મોકલ્યા હતા. આ સમન્સ બાદ 24 ફેબ્રુઆરી સોમવારના રોજ આશિષ અને રણવીર બંને મહારાષ્ટ્રના નવી મુંબઈના મહાપે સ્થિત સાયબર સેલ શાખામાં ગયા અને તેમના નિવેદનો નોંધ્યા. આ રણવીરનું બીજું સમન્સ છે, અગાઉ જ્યારે તેને સાયબર સેલ દ્વારા સમન્સ મોકલવામાં આવ્યું હતું, ત્યારે તેણે ટીમને ડિજિટલ રીતે તેનું નિવેદન રેકોર્ડ કરવા વિનંતી કરી હતી. પરંતુ તેની માંગણી નકારી કાઢવામાં આવી હતી અને તેથી બીજું સમન્સ મળતાં રણવીરને સાયબર સેલ ઓફિસમાં આવીને તેનું નિવેદન રેકોર્ડ કરવું પડ્યું હતું.

રણવીર અલ્હાબાદિયા અને આશિષ ચંચલાની બંને પર સમય રૈનાના ઇન્ડિયાઝ ગોટ લેટેન્ટ શોમાં હાજર રહેવા અને આવા કાર્યક્રમો દ્વારા અશ્લીલતાને પ્રોત્સાહન આપવાનો આરોપ છે. મુંબઈ પોલીસ અને સાયબર પોલીસે બંનેને સમન્સ મોકલ્યા હતા. નિવેદન નોંધાવવા આવેલા રણવીર અને આશિષની બે કલાક પૂછપરછ કરવામાં આવી. આ સમગ્ર મામલે અત્યાર સુધીમાં 4 લોકોના નિવેદન નોંધવામાં આવ્યા છે. રૈના દેશની બહાર હોવાથી સાયબર સેલ દ્વારા તેને વર્ચ્યુઅલ સ્ટેટમેન્ટ રેકોર્ડ કરવાની પરવાનગી આપવામાં આવી છે. આ સમગ્ર મામલે અત્યાર સુધીમાં આ શો સાથે સંકળાયેલા 42 લોકોની પૂછપરછ કરવામાં આવી છે.

આ પણ વાંચો: સિહોર BJPમાં ભડકો! 30 વર્ષથી ત્રણ પરિવાર રાજ કરતા હોવાનો આક્ષેપ; લેટર સોશિયલ મીડિયામાં વાયરલ

મહારાષ્ટ્ર પોલીસ અને સાયબર સેલ જ નહીં, પરંતુ NSW એટલે કે રાષ્ટ્રીય મહિલા આયોગે પણ રણવીર અલ્હાબાદિયા, સમય રૈના અને તેના ભાગીદાર અપૂર્વ માખીજાને સમન્સ મોકલ્યા છે. આ ત્રણમાંથી રણવીર અને અપૂર્વાને 6 માર્ચે તેમના નિવેદનો નોંધાવવા માટે બોલાવવામાં આવ્યા છે. જ્યારે સમય રૈનાને 11 માર્ચે બોલાવવામાં આવ્યા છે.

સમય રૈનાનો ‘ઇન્ડિયાઝ ગોટ લેટેન્ટ’ એક સબ્સ્ક્રિપ્શન આધારિત શો હતો જે યુટ્યુબ પર સ્ટ્રીમ થતો હતો. આ શોમાં રણવીર અલ્હાબાદિયાએ એક સ્પર્ધકને તેના માતા-પિતા વિશે કેટલાક ખૂબ જ અભદ્ર પ્રશ્નો પૂછ્યા હતા અને આ વીડિયો વાયરલ થયા પછી લોકોએ રણવીરની ખૂબ ટીકા કરી હતી.