December 28, 2024

કઝાકિસ્તાનમાં વિમાન દુર્ઘટના બાદ અઝરબૈજાન દ્વારા મોટું પગલું, રશિયાની તમામ ફ્લાઇટ્સ રદ

Plane Crash in Kazakhstan: કઝાકિસ્તાનમાં પોતાનું પ્લેન ક્રેશ થયા બાદ અઝરબૈજાને મોટું પગલું ભર્યું છે. અઝરબૈજાને રશિયા માટે તેની તમામ ફ્લાઈટ્સ સ્થગિત કરી દીધી છે. એરલાઇન્સે શુક્રવારે રશિયાના કેટલાક એરપોર્ટ પર ફ્લાઇટ્સ સ્થગિત કરવાની જાહેરાત કરી હતી. કંપનીએ તેનું એક વિમાન ક્રેશ થયા પછી સંભવિત ફ્લાઇટ સલામતી જોખમોને ટાંકીને આ જાહેરાત કરી હતી. ઘણા નિષ્ણાતોએ આ દુર્ઘટના માટે રશિયન એર ડિફેન્સ સિસ્ટમની નિષ્ફળતાને જવાબદાર ઠેરવી હતી.

અઝરબૈજાન એવિએશન કંપનીના એમ્બ્રેર 190 વિમાને બુધવારે રાજધાની બાકુથી ઉત્તર કાકેશસના રશિયન શહેર ગ્રોઝની માટે ઉડાન ભરી હતી. ટેકઓફના થોડા સમય બાદ તેનો રૂટ બદલવામાં આવ્યો હતો. કેસ્પિયન સમુદ્ર પાર કર્યા બાદ કઝાકિસ્તાનના અક્તાઉમાં ઉતરાણ કરવાનો પ્રયાસ કરતી વખતે વિમાન ક્રેશ થયું હતું. આ અકસ્માતમાં 38 લોકોના મોત થયા હતા અને તમામ 29 લોકો ઘાયલ થયા હતા. અઝરબૈજાન, કઝાકિસ્તાન અને રશિયાના અધિકારીઓએ સત્તાવાર તપાસ પૂર્ણ ન થાય ત્યાં સુધી દુર્ઘટનાના સંભવિત કારણ વિશે માહિતી જાહેર કરી ન હતી, પરંતુ અઝરબૈજાનના એક સાંસદે અકસ્માત માટે મોસ્કોને જવાબદાર ઠેરવ્યો હતો. રસિમ મુસાબેકોવે ગુરુવારે અઝરબૈજાનની ન્યૂઝ એજન્સી ‘તુરાન’ને જણાવ્યું હતું કે ગ્રોઝનીના આકાશમાં પ્લેન પર ફાયરિંગ કરવામાં આવ્યું હતું.