December 17, 2024

પોતાના શૉટથી જ ઉડ્યા બાબરના હોશ! Video જોઇ તમે પણ રહેશો દંગ

Babar Azam

પાકિસ્તાનની ટીમે ઓસ્ટ્રેલિયામાં ખરાબ પરિસ્થિતિનો સામનો કર્યો હતો તો હવે ન્યુઝીલેન્ડમાં તેની સ્થિતિ બદલાઈ નથી. શાહીન આફ્રિદીના નેતૃત્વમાં પ્રથમ ટી20 સિરીઝ રમી રહેલી પાકિસ્તાની ટીમ ન્યૂઝીલેન્ડમાં હારી ગઈ હતી. પાંચ મેચની T20 સિરીઝની પ્રથમ ત્રણ મેચ હાર્યા બાદ પાકિસ્તાને T20 સિરીઝ ગુમાવી દીધી છે. ત્રીજી T20 ડ્યુનેડિનમાં રમાઈ હતી જેમાં પાકિસ્તાની ટીમ 45 રનના મોટા માર્જિનથી હારી ગઈ હતી. જો કે, આ મેચમાં પાકિસ્તાનની હાર સિવાય કંઈક એવું થયું જેણે તમામ ફેન્સ અને ખેલાડીઓને પણ ચોંકાવી દીધા હતા અને આ બધું બાબર આઝમના એક શોટ પછી થયું.

બાબરની ધમાકેદાર બેટિંગ!

ડ્યુનેડિનમાં 225 રનના લક્ષ્યનો પીછો કરી રહેલી પાકિસ્તાની ટીમ માટે બાબર આઝમે સૌથી વધુ 58 રન બનાવ્યા હતા. આ દરમિયાન તેને એક સિક્સ ફટકારી અને આ શોટ ફેન્સ માટે જીવલેણ સાબિત થઈ શકે છે. ક્રિકેટર બાબર આઝમે આ સિક્સર પુલ શોટ માર્યો હતો. બોલ સ્ક્વેર લેગ બાઉન્ડ્રીને ઓળંગી ગયો જ્યાં એક ફેન બાઉન્ડ્રી દોરડા પાસે સ્ટેન્ડમાં ઊભો હતો અને બોલ તેના હાથ પર સીધો અથડાયો. બોલ તેના માથા પર વાગી શક્યો હોત પરંતુ ચાહકે પોતાના હાથ વડે બચાવી લીધો હતો. આ રીતે ફેન ગંભીર ઈજાથી બચી ગયો હતો.

બાબરે બતાવી હિંમત પણ પાકિસ્તાનનું દુ:ખ ઓછું ન થયું!

બાબર આઝમે ન્યૂઝીલેન્ડ સામેની ત્રીજી T20માં પણ શાનદાર અડધી સદી ફટકારી હતી. પરંતુ તે પોતાની ટીમને જીત અપાવી શક્યો ન હતો. બાબર સિવાય પાકિસ્તાનનો કોઈ બેટ્સમેન ક્રિઝ પર ટકી શક્યો નહોતો. સાયમ અય્યુબે 10 રન, ફખર ઝમાને 19 રન બનાવ્યા હતા. રિઝવાન પણ માત્ર 24 રન બનાવી શક્યો હતો. ઈફ્તિખાર 1 અને આઝમ ખાન 10 રન બનાવી શક્યા હતા. પાકિસ્તાની ટીમ 20 ઓવરમાં માત્ર 179 રન જ બનાવી શકી અને આ રીતે સિરીઝ હારી ગઈ.

ફિન એલને ફટકારી સદી

મેચમાં જ્યાં પાકિસ્તાની બેટ્સમેનો રન માટે તરસી રહ્યા હતા ત્યાં ફિન એલન જોરદાર બેટિંગ કરી. તેને જોરદાર સદી ફટકારી હતી. આ જમણા હાથના ઓપનરે માત્ર 62 બોલમાં 137 રન બનાવ્યા હતા. તેણે મેચમાં 16 સિક્સર ફટકારી હતી. તે ન્યૂઝીલેન્ડ માટે T20માં સૌથી વધુ સ્કોર અને મેચમાં સૌથી વધુ સિક્સર ફટકારનાર બેટ્સમેન બની ગયો છે.