પરશોત્તમ રૂપાલાના નિવેદન મામલે, કરઝા ગામમાં ભાજપ માટે ‘નો એન્ટ્રી’ના બેનરો લાગ્યાં
રતનસિંહ ઠાકોર, બનાસકાંઠાઃ રાજકોટ લોકસભાના ભાજપના ઉમેદવાર પરશોત્તમ રૂપાલાના વિવાદાસ્પદ નિવેદન મામલે અમીરગઢ તાલુકાના મોટા કરઝા ગામે રાજપૂત યુવા સંગઠન દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે. બેઠક દરમિયાન ગામના યુવાનો અગ્રણીઓએ એકત્ર થઈ નિર્ણય કર્યો છે અને બેનરો માર્યા છે કે, ‘ભાજપના કોઈપણ કાર્યકર્તા કે આગેવાનોએ મોટા કરઝા ગામમાં પ્રવેશ કરવો નહીં. જ્યાં સુધી પરશોત્તમ રૂપાલાની ટિકિટ રદ ન થાય ત્યાં સુધી.’ આવા બેનરો લગાવી ગામના લોકોએ વિરુદ્ધ દર્શાવ્યો છે.
બનાસકાંઠા જિલ્લાના કેટલાય ગામોમાંથી ક્ષત્રિય સમાજ દ્વારા અનેક ગામના પોસ્ટરો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે. ગામના અગ્રણી દશરથસિંહે જણાવ્યુ હતુ કે, ‘આજે ગ્રામલોકો બધા ભેગા મળ્યા છીએ. ભાજપ સરકારમાં રૂપાલા સાહેબે જે અમારા ક્ષત્રિય સમાજ વિશે ટિપ્પણી કરી છે તેનો અમે વિરોધ કરીએ છીએ. જો એમની ટિકિટ કાપવામાં નહીં આવે તો આ વિરોધ યથાવત રહેશે. અમને ભાજપ પક્ષથી કોઈ વિરોધ નથી, અમને એક વ્યક્તિથી જ વિરોધ છે. જે અમારા ક્ષત્રિય સમાજ વિશે ખરાબ ટિપ્પણી કરી છે જેનો અમે સખત વિરોધ કરીએ છીએ.’
આ પણ વાંચોઃ કરણીસેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ મહિપાલસિંહ મકરાણાની અટકાયત
તેમણે વધુમાં જણાવ્યુ હતુ કે, ‘રૂપાલાએ અમારા સમાજ વિશે જે ટીપ્પણી કરી છે એનો અમે વિરોધ કરીએ છીએ. જો રૂપાલા સાહેબની ટિકિટ રદ ના થાય તો અમે ભાજપ વિરુદ્ધ મતદાન કરીશું. ભારતીય જનતા પાર્ટીનો હું વર્ષોથી કાર્યકર્તા છું મારી જવાબદારી કરઝા શક્તિ કેન્દ્ર પ્રમુખ અને અમીરગઢ તાલુકા કારોબારી સભ્યની છે. કેબિનેટ મંત્રી અને રાજકોટ સીટના ઉમેદવાર પરશોત્તમ રૂપાલા જે ક્ષત્રિય દરબાર વિરુદ્ધ ટીપ્પણી કરેલી છે અને નિવેદન આપવામાં આવ્યું, તેનાથી હું નારાજ છું અને હું હોદ્દા ઉપરથી રાજીનામું આપું છું.’