ડીસા GIDCમાં આગ મામલે પોલીસની ટીમ રાજસ્થાન-અમદાવાદ જવા રવાના, કડક-કાયદેસર કાર્યવાહી થશે

રતનસિંહ ઠાકોર, બનાસકાંઠાઃ ડીસા જીઆઇડીસીમાં ફટાકડાની ગેરકાયદેસર ફેક્ટરીમાં બ્લાસ્ટ થતાં 20 લોકોનાં મોત થયા છે. ત્યારબાદ પોલીસે તપાસ હાથ ધરી છે. પોલીસે આરોપીને પકડવા માટે પાંચ ટીમોની રચના કરી છે. આરોપી દીપક ઠક્કર સહિત જે પણ આરોપીઓની આમાં સંડોવણી હશે તેની સામે કાર્યવાહી થશે. જિલ્લા પોલીસ વડાએ રાજસ્થાન અને અમદાવાદ એમ બંને જગ્યાએ પોલીસની ટીમો રવાના કરી દીધી છે. કોઇપણ આરોપી હશે તેની સામે કાયદેસર અને કડક કાર્યવાહી થશે.
બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ભરતસિંહ વાઘેલા પણ ઘટનાસ્થળે પહોંચ્યા હતા. તેમણે દુઃખ વ્યક્ત કર્યું હતું. આ સાથે કહ્યુ હતુ કે, આ 20નાં મોતનું જવાબદાર તંત્ર છે. કારણ કે ગેરકાયદેસર ફેક્ટરી હતી અને કોઇપણ પ્રકારની મંજૂરી વગર આ ફેક્ટરી ધમધમતી હતી. જેથી આ તંત્રની મીલીભગતથી આ ફેક્ટરી ધમધમતી હતી. જેને કારણે જ લોકોનાં મોત થયા છે અને તેના માટે વહીવટી તંત્રને સરકાર જવાબદાર છે.
ડીસા જીઆઇડીસીમાં ફટાકડાની ફેક્ટરીમાં બ્લાસ્ટમાં 20 લોકોનાં મોત થયા છે. ત્યારે કલેક્ટરે આ મામલે તપાસના આદેશ આપ્યા છે. કલેક્ટરે આ મામલે વિવિધ પ્રશ્નોના જવાબ માગ્યા છે. આ તમામ સ્થિતિની સમીક્ષા કરવામાં આવશે અને ત્યારબાદ જો કોઈ દોષિત હશે તો તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.
ગુજરાત સરકારના મંત્રી બળવંતસિંહ રાજપૂત પણ ડીસામાં ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને કહ્યુ હતુ કે, ઘટના દુઃખદ છે. પરંતુ પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે આ ઘટનામાં જે પણ સંડોવાયેલું હશે તેની સામે કડક અને કાયદાકીય કાર્યવાહી થશે.
સવારથી જ ડીસા જીઆઇડીસીમાં બ્લાસ્ટ થયો છે અને તેમાં 21 જેટલા લોકોનાં મોત થયા છે, તેવું કલેક્ટર, એસપી અને અન્ય અધિકારીઓ કહેતા હતા. પરંતુ મંત્રી ઋષિકેશ પટેલના નિવેદન બાદ આ તમામનો સૂર બદલાયો છે અને કહ્યુ છે કે, અહીંયા કોઈ બોઇલર પણ બ્લાસ્ટ નથી થયું અને કોઈ ગેરકાયદેસર ફટાકડા પણ નહોતા બનાવતા, માત્ર ગોડાઉન હતું. સવાલ એ થાય છે કે, આટલો મોટો બ્લાસ્ટ થયો તો થયો કેવી રીતે ત્યારે હવે અધિકારીઓના પણ નિવેદનો બદલાયા છે.