July 3, 2024

બનાસકાંઠામાં વિશ્વની પહેલી ગૌમૂત્ર ડેરી, જંતુનાશક-આયુર્વેદિક દવાથી માંડીને ખાતર બનાવાય છે

રતનસિંહ ઠાકોર, બનાસકાંઠાઃ હવે ગૌમૂત્રમાંથી પણ પશુપાલકો પૈસાની કમાણી કરી શકશે. ગુજરાતના બનાસકાંઠામાં ગૌપ્રેમીઓ દ્વારા દેશની પ્રથમ ગૌમૂત્ર ડેરી શરૂ પ્લાન્ટ શરૂ કરવામાં આવ્યો છે.

હિંદુ શાસ્ત્રોમાં ગાય અને ગૌમૂત્રને જટિલ રોગોના ઉપચાર માટે ખુબજ લાભદાયી ઘણવામાં આવ્યું છે આ ગૌમૂત્ર લોકોમાં આરોગ્ય માટે જ નહીં પરંતુ ખેત પેદાશો માટે ઓર્ગેનિક ખાતર બનાવી સારી પેદાશ મેળવવા માટે પણ ખુબજ ફાયદાકારક છે ત્યારે બનાસકાંઠાના ભાભર તાલુકાના અબાળા ગામના એક ગૌપ્રેમી દ્વારા ભાભરમાં ગૌમૂત્ર પ્લાન્ટને શરૂ કરવામાં આવ્યો છે જે પ્લાન્ટ હવે ખેડૂતોને આર્થિક રીતે સારી ઉપજ પણ આપી રહ્યો છે.

આ પ્લાન્ટમાં પશુપાલકોને માત્ર દૂધના જ નહીં પરંતુ પ્રતિ લીટરે ગૌમૂત્રના પણ રૂપિયા આપવામાં આવી રહ્યા છે. જેના જેથી ખેડૂતોને પણ બમણી આવક થઈ રહી છે, જે ગૌમૂત્ર વેસ્ટ જતું હતું તે ગૌમૂત્રનો આ પ્લાન્ટમાં ઉપયોગ કરી જૈવિક પ્રવાહી ખાતર તૈયાર કરવામાં આવે છે અને તેને ખાતર ખેતપેદાશોના ઉત્પાદન વધારવા માટે ઉપયોગમાં લેવાય છે. આ ખાતરથી ખેત ઉત્પાદન વધારવાની પણ ગેરંટી આપવામાં આવે છે. જેથી હાલમાં આ ગૌમૂત્ર ડેરી પ્લાન્ટમાં જિલ્લાના 700 કરતાં વધુ ખેડૂતો ગૌમૂત્ર આપી રહ્યાં છે અને સારી એવી કમાણી પણ કરી રહ્યા છે.

ગુજરાત જ નહીં પરંતુ વિશ્વનો સૌ પ્રથમવાર ગૌમૂત્ર પ્લાન્ટ સાત વર્ષથી ભાભર તાલુકાના અબાળા ગામના શ્યામ સુંદરભાઈ પુરોહિત નામના ગૌપ્રેમી દ્વારા શરૂ કરવામાં આવ્યો છે. પશુપાલકો દેશી ગાયનું પશુપાલન કરતા થાય તેવા હેતુથી આ વિશ્વમાં પ્રથમવાર આ ગૌમૂત્ર પ્લાન્ટની શરૂ કર્યો હતો. જો કે, શરૂઆતમાં ભારે સંઘર્ષ કર્યા બાદ હવે ઉપજ મળતા ખેડૂતો જોડાતા ગયા છે અને હવે સફળતા મળી છે. આ પ્લાન્ટમાં શરૂઆતમાં માત્ર 50 લીટર ગૌમૂત્ર એકઠું થતું હતું, જે હાલમાં દરરોજનું 1000 હજાર લીટર અને મહિને અંદાજિત એક લાખની કિંમતનું ગૌમૂત્ર આ પ્લાન્ટ દ્વારા ખરીદવામાં આવે છે.

ગૌમૂત્ર ડેરીના સંચાલક મદનભાઈ પુરોહિતે કહ્યું કે, મારા પિતાજી ઘણા સમયથી ગૌશાળામાં ગાયોની સેવા કરી રહ્યા છે. જો કે, અમારા પિતાજી અને અમને બંને ભાઈઓને એવો વિચાર આવ્યો કે ગૌમૂત્રને કઈ રીતે ઉપયોગમાં લઈ શકાય. ત્યારબાદ તેનું રિસર્ચ કર્યા બાદ જાણવા મળ્યું કે ગૌમૂત્ર માત્ર મૂત્ર જ નહીં, પરંતુ જમીન ઉપરનું સોનું છે. ત્યારબાદ આ પ્લાન્ટની શરૂઆત કરી અને આગામી દિવસોમાં 10,000 લીટર ગૌમૂત્ર સંગ્રહ કરી શકાય તેવો પ્લાન્ટ નાંખવાના પ્રયાસ શરૂ કર્યા છે.

બનાસકાંઠાના ભાભરમાં બનાવેલા આ દેશનો સૌપ્રથમ ગૌમૂત્ર ડેરી પ્લાન્ટ છે. ત્યાં દિવસનું 1000 હજાર લીટર ગૌમૂત્ર આવે છે, જેના બદલામાં જિલ્લાના અનેક ખેડૂતોને લાખો રૂપિયા ચૂકવવામાં આવી રહ્યા છે. ગૌમૂત્રનો ઉપયોગ જંતુનાશકો, આયુર્વેદિક દવાઓ વગેરેમાં ઉપયોગી છે. આ ઉપરાંત રાસાયણિક ખાતરોથી કઠણ થઈ ગયેલી જમીનને પોચી કરવામાં પણ ગૌમૂત્ર ખૂબ જ ઉત્તમ છે. દરિયાઈ શેવાળ અને ગૌમૂત્ર ઉકાળીને બનાવાતું એક મિશ્રણ જમીનને પોચી બનાવવા સક્ષમ છે.

એક એકરમાં આવી ફક્ત પાંચ લિટર દવાનો છંટકાવ કરવાથી બે સિઝનમાં તેનો ઉકેલ લાવી શકાય છે. ગૌમૂત્રમાંથી બનાવવામાં આવતી અલગ અલગ પ્રોડક્ટ લઈ જનારા ખેડૂતોને પણ સારું પરિણામ આપ્યું છે. ગૌમૂત્રથી બનેલી પ્રોડક્ટ બનાસકાંઠા જ નહીં ગુજરાત બહારના રાજ્યો પંજાબ, હરિયાણા, કાશ્મીર, મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશમાં વેચાણ કરી પણ આવક થઈ રહી છે. મહત્વનું છે કે, પહેલા ખેડૂતો માત્ર દૂધ ભરાવીને જ કમાણી કરી શકતા હતા. ત્યારબાદ બદલાતા સમય સાથે છાણ વેચી આવક મેળવતા થયા હતા. પરંતુ આ ગૌમૂત્ર ડેરી પ્લાન્ટે તો હવે વેસ્ટ જતા ગૌમૂત્રના પણ રૂપિયા આપી વેસ્ટની બેસ્ટ કમાણી કરાવી રહ્યું છે.