September 17, 2024

પાલનપુર-આબુરોડ નેશનલ હાઇવે પર ‘ખાડારાજ’, વાહનચાલકો મુસીબતમાં

રતનસિંહ ઠાકોર, બનાસકાંઠાઃ પાલનપુર-આબુરોડ નેશનલ હાઇવે પર વરસાદને કારણે મસમોટા ખાડાઓ પડી જવાથી વાહનચાલકો મુસીબતમાં મૂકાયા છે. ખાડાઓનાં કારણે વારંવાર અકસ્માત સર્જાતા હોવાથી વાહનચાલકો અને સ્થાનિકો તંત્ર સામે રોષ વ્યકત કરી રહ્યા છે.

પાલનપુરમાં નેશનલ હાઈવે પર પડેલા સામાન્ય વરસાદે જ નેશનલ હાઇવે પર મસમોટા ખાડાઓ પાડી દેતા વાહનચાલકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. પાલનપુરમાંથી પસાર થતા અમદાવાદ-આબુરોડ નેશનલ હાઇવે ઉપર મસમોટા ખાડાઓ પડી ગયા છે. વરસાદના કારણે નેશનલ હાઇવે ઉપર એક બે નહીં પરંતુ કતારબંધ અનેક મોટા ખાડાઓ પડી જતા વાહનચાલકો મહામુસીબતે ખાડાઓ ટાળીને હાઇવે ઉપરથી વાહન પસાર કરવા મજબૂર બન્યાં છે.

ખેણામાં ટોલ ટેક્સની નજીક હાઇવે ઉપર મોટા ખાડાઓ પડી ગયા હોવાથી ખાડાઓમાં અનેક વાહનોના પટકાવાથી વારંવાર અકસ્માતો થઈ રહ્યા છે. બે દિવસ પહેલા જ હાઇવે ઉપરના ખાડાના કારણે એક ટ્રક પલટી હતી. જેના કારણે ટ્રક માલિકને મોટું નુકસાન પહોંચ્યું હતું. અમદાવાદ-આબુરોડ હાઇવે ઉપર મસમોટો ટોલ વસૂલાતો હોવા છતાં નેશનલ હાઇવે ઓથોરિટી દ્વારા ખાડાઓનું સમારકામ કરાતું નથી. નેશનલ હાઇવે ઉપર પડેલા ખાડાઓનાં કારણે મોટો અકસ્માત સર્જાય તેવી ભીતિ હોવાથી વાહનચાલકોમાં ભારે રોષ વ્યાપ્યો છે.

પાલનપુર આબુરોડ હાઇવે પર પાલનપુરથી રાજસ્થાન જવું હોય કે રાજસ્થાનથી પાલનપુર આવવું હોય તો ખાડાઓમાં પટકાવવા માટે ટોલટેક્સ ચૂકવવો પડે છે. આ ટોલટેક્સ 75 રૂપિયાથી લઈ અને 485 રૂપિયા સુધીનો ટોલટેક્સ છે. એટલે કે રાજસ્થાનથી પાલનપુર આવતા લોકો 75થી 485 રૂપિયા ચૂકવીને માત્ર ખાડાઓમાં પટકાવવા માટે આવે છે. પાલનપુરથી રાજસ્થાન જતા વાહનચાલકો પણ આ જ પરિસ્થિતિ ભોગવી રહ્યા છે. ત્યારે નેશનલ હાઈવે ઓથોરિટી ટેક્સ તો વસૂલે છે. પરંતુ રોડ ઉપર પડેલા ખાડાઓ પૂરવામાં નિષ્ફળ ગઈ છે અને જેને કારણે વાહનોને તો નુકસાન થાય છે અને સાથે સાથે અગવડો પણ ભોગવવી પડે છે.