June 30, 2024

ગેસ ગળતરની ઘટનામાં 5 દિવસ બાદ પણ કોઈ કાર્યવાહી નહીં, તંત્ર-પોલીસ ઉંઘમાં!

રતનસિંહ ઠાકોર, બનાસકાંઠાઃ પાલનપુર માલણ દરવાજા નજીક 120 કલાક અગાઉ સર્જયેલી ગેસ ગળતરની ઘટનામાં 100થી વધુ લોકોને અસર થઈ હતી. જો કે, 100થી વધુ લોકો મોતના મોઢામાં જઈને બહાર આવ્યા હતા. સદ્નસીબે આ દુર્ઘટનામાં લોકોનો જીવ તો બચી ગયો, પરંતુ 100થી વધુ લોકોની જિંદગી સાથે ખિલવાડ કરનાર ગેસ ગળતરની ઘટનાના જવાબદારની શોધખોળ કરી તેની સામે કાર્યવાહી કરવાની જગ્યાએ માત્ર ભંગારવાડા દૂર કરાવી સંતોષ માની લેવાતા તંત્ર અને પોલીસની કામગીરી સામે અનેક સવાલો ઉઠી રહ્યા છે. જે-તે સમયે આ ઘટના બની એટલે આ ઘટના એટલી ગંભીર હતી કે, જિલ્લા પોલીસવડાએ તાત્કાલિક કાર્યવાહી કરવાના આદેશ આપ્યા હતા. પરંતુ એ વાત માત્ર ઘટના સમય પૂરતી મર્યાદિત રહી અને 5 દિવસ બાદ પણ કોઈ કાર્યવાહી નથી થઈ અને જવાબદાર કોણ એ એક પ્રશ્ન છે.

બનાસકાંઠા જિલ્લાના મુખ્ય મથક પાલનપુરમાં ગુરૂવારની સાંજે સર્જાયેલી ગેસ ગળતરની ઘટનાએ સમગ્ર પાલનપુરમાં હાહાકાર મચાવી દીધો હતો. પાલનપુરના માલણ દરવાજા નજીક આવેલા આવાસ યોજનાના ફ્લેટ નજીક ગુરૂવારની સાંજે અચાનક ગેસ ગળતર થયું અને અચાનક આવાસ યોજનામાં રહેતા અનેક લોકોના શ્વાસ રૂંધાવા લાગ્યા હતા. જો કે, આ ઘટનાને લઈ સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી. આ ઘટનાને પગલે લોકો ગંભીર રીતે અસરકારક થતા તાબડતોડ 108 અને ખાનગી વાહનોની મદદથી 100થી વધુ લોકોને એકબાદ એક સારવાર અર્થે પાલનપુરની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

આ પણ વાંચોઃ RMCની એફિડેવિટથી અનેક સવાલ, તંત્ર ઉંઘતુ રહ્યું ‘ને 28 હોમાઈ ગયા!

અસરગ્રસ્તોને પાલનપુરની સિવિલ હોસ્પિટલમાં ખસેડાતા સિવિલ હોસ્પિટલનું ટ્રોમા સેન્ટર અસરકારકોની ચીચીયારોથી ગુંજી ઉઠ્યું હતું. મોટાભાગના લોકો પોતાના જીવ બચાવવાં આમથી આમ ટળવળતા જોવા મળ્યા હતા. આ ગંભીર ઘટનાની જાણ થતા ઘટના સમયે જિલ્લાનું વહીવટી તંત્ર અને પોલીસ તંત્ર દોડતું થયું હતું અને ઘટના સમયે ગેસ ગળતરના જવાબદાર લોકોને ઝડપી પાડવા તપાસના મોટામોટા દાવાઓ કર્યા હતા.

આ પણ વાંચોઃ રાજકોટ અગ્નિકાંડમાં અત્યાર સુધીમાં 11 મૃતદેહ પરિવારને સોંપાયા

આ ઘટનાને આજે 120 કલાકથી વધુનો સમય વીતી ગયો હોવા છતાં, વહીવટી તંત્ર, પોલીસ કે GPCBની ટીમ ગેસ ગળતરનું કારણ શોધી શક્યું નથી. જો કે, ગેસ ગળતર આવાસ યોજનાની બાજુમાં આવેલા ભંગારવાળાઓને કારણે થયું હોવાની પ્રાથમિક આશંકાઓને પગલે વહીવટી તંત્ર દ્વારા આવાસ યોજના આસપાસ આવેલા 10 વધુ ભંગારના વાડાઓ ખાલી કરાવવાની શરૂઆત તો કરી હતી. પરંતુ ઘટનાનાં 120 કલાક બાદ પણ એકપણ જવાબદાર સમયે કોઈ જ પગલાં ન લેવાતા તંત્ર અને પોલીસની કામગીરી શંકાના દાયરામાં છે. જો કે, પીડિતોની હાલત હજુ સુધરી નથી શકી તે પહેલાં તો જાણે પોલીસે ઘટના પર પડદો ઢાંકી દીધો હોય તેવો ઘાટ ઘડાયો છે. પોલીસ વિભાગ તપાસ કરી જવાબદાર સામે યોગ્ય અને કડક પગલાં ભરે તેવી પીડિત પરિવારો માગણી કરી રહ્યા છે.