July 1, 2024

થરાદમાં ‘સગાઈ ન કરાવી આપતા’ ભત્રીજાએ કરી કાકાની હત્યા

રતનસિંહ ઠાકોર, બનાસકાંઠા: બનાસકાંઠાના સરહદીય થરાદ પંથકમાં ચકચારી હત્યાંની ઘટના સામે આવી છે. એક વૃદ્ધ ગામ વચ્ચે આવેલા ચોતરે બેઠા હતા. અને તે જ સમયે વૃદ્ધ સાથે લોહીનો નાતો ધરાવતા એક શખ્સે આવી વૃદ્ધ પર ગાડી ચડાવી અને તે બાદ વૃદ્ધને છરાના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારી દીધા.

બનાસકાંઠા જિલ્લાના થરાદના કોઠી ગામે ગઈકાલે સાંજે ઘટેલી હત્યાની ઘટનાએ સમગ્ર પંથકમાં ચકચાર મચાવી દીધી છે. સરહદીય થરાદના કોઠી ગામની આ ઘટના છે. ગઈકાલે સાંજના સમયે કોઠી ગામે રહેતા હાજીખાન લાલખાન મલિક પોતાના ખેતરેથી આવી તે બાદ ગામમાં આવેલા હનુમાનજીના મંદિર પાસેના ચોતરે બેઠા હતા. અને મોબાઈલ જોઈ રહ્યા હતા. તે સમયે તેમનો કૌટુંબિક ભત્રીજો દિલુખાન અનાથખાન મલેક ગાડી લઈને ચોતરા નજીક આવ્યો અને સીધો હાજીખાન પર ગાડી ચડાવી દીધી. જોકે અચાનક ભત્રીજાએ કાકા પર ગાડી ચડાવી દેતા આસપાસ બેઠેલા લોકોએ બૂમાબૂમ કરી દીધી અને ઘટના સ્થળે એકત્રિત થઈ ગયા. જોકે આ ઉકળતા લોહીએ કાકા પર માત્ર ગાડી ચડાવી સંતોષ ન માર્યો પરંતુ તે બાદ ગાડીમાંથી ઉતરી નીચે પડેલા તેના કાકા હાજીખાન મલિક પર છરાના ઘા ઝીંકી દીધા અને હાજીખાનને મોતને ઘાટ ઉતારી ભત્રીજો દિલુ ખાન એકઠા થયેલા લોકોને પણ છરા થી ડરાવી ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો.

જોકે ઘટના સ્થળે એકત્રિત થયેલા લોકો ઈજાગ્રસ્ત હાજી ખાનને લઈ હોસ્પિટલે પહોંચ્યા પરંતુ હોસ્પિટલમાં હાજર તબીબે હાજીખાનને મૃત જાહેર કરતા વિસ્તારમાં ચકચાર મચી ગઈ. જોકે ઘટનાની જાણ થરાદ પોલીસને થતા થરાદ પોલીસની ટીમો કોઠી ગામે પહોંચી અને મૃતકના મૃતદેહને પીએમ અર્થે ખસેડી હત્યા પાછળનું કારણ જાણવા તપાસ હાથ ધરી તો હાજી ખાનની હત્યા તેમના જ કુટુંબીક ભત્રીજા દિલુખાન અનાથખાન મલિકે “સગાઈ ન કરી આપવાનું” મન દુઃખ રાખી કરી હોવાનું સામે આવ્યું.

જોકે સમગ્ર મામલાને લઈ મૃતકના ભાઈ સર્જન ખાન લાલખાન મલેકે નોંધાવેલી ફરિયાદ અનુસાર હાજી ખાન તેમના સમાજના આગેવાન હતા. જે સમાજમાં સગાઈ કે લગ્નમાં મધ્યસ્થી બનતા. પરંતુ ભત્રીજા દિલુખાનનો ઇતિહાસ ખૂબ જ ખરાબ હોવાથી તેની સગાઈ કે લગ્નમાં તેઓ મધ્યસ્થી ન બન્યા અને તેનું મન દુઃખ રાખી દિલુખાને કાકાનું જ ઢીમ ઢાળી દીધું. જોકે અત્યારે તો પોલીસને મળેલી ફરિયાદને આધારે પોલીસે દિલુખાન સામે તેના જ કાકાની હત્યા કરવા મામલે હત્યાનો ગુનો નોધી દિલુખાનને ઝડપી પાડવા થરાદ પોલીસ સહિત બનાસકાંઠા એલસીબીની અલગ અલગ ટીમો હ્યુમન સોર્સીંસ અને ટેકનિકલ સર્બિલન્સ ની મદદ થી શોધખોળ હાથ ધરી રહી છે.