બનાસકાંઠામાં ત્રણ દિવસ પડેલા કમોસમી વરસાદથી રસ્તા ધોવાયાં

રતનસિંહ ઠાકોર, બનાસકાંઠાઃ જિલ્લામાં ત્રણ દિવસ કમોસમી વરસાદ પડ્યો હતો અને તેમાં પાલનપુરના રોડ રસ્તાની હાલત ખરાબ થઈ છે. સામાન્ય વરસાદમાં જ છ માસ અથવા બાર માસ અગાઉ બનાવેલા રોડ રસ્તા તૂટી ગયા તેની પર ખાડા પડ્યા અને રોડ ધોવાઈ ગયા છે. ત્યારે પાલિકાની કામગીરી સામે તો સવાલ થાય છે.
હવામાન વિભાગની સરકારની આગાહી હોવા છતાં હજુ પણ કેટલાક વિસ્તારો એવા છે કે, જ્યાં ખાડાઓમાં પાણી ભરાયેલા છે અને તેનો નિકાલ થયો જ નથી. ત્યારે તો જે રોડ પર ખાડા પડ્યા છે અને રોડ ધોવાઈ ગયા છે. જેનાથી હજારો નાગરિકો પરેશાન થઈ રહ્યા છે. અનેક વાહનચાલકો ખાડામાં ફટકાઈ રહ્યા છે. ત્યારે પાલિકાને તો કોઈ રોડ પર ખાડા પડ્યા હોય તેવી જાણ જ નથી કે ખબર જ નથી ત્યારે વિપક્ષે કહ્યું છે કે પાલિકાને માત્ર સત્તા અને મલાઈમાં રસ છે.
ત્રણ દિવસ પડેલા સામાન્ય વરસાદમાં પાલનપુરના મોટાભાગના રોડની પરિસ્થિતિ ખરાબ થઈ છે. ગોબરી રોડ, ડેરી રોડ, આદર્શ હાઇસ્કુલ રોડ, ગણેશપુરા રોડ, મીરા દરવાજા રોડ, મફતપુરા રોડ, વડલીવાળા પરા રોડ સહિત અનેક વિસ્તારોના રોડ-રસ્તા પર ખાડા પડ્યા છે અને રોડ ધોવાઈ ગયા છે. અમુક એવા રોડ છે કે, જેમ છ માસ અગાઉ જ કામ થયું છે એ પણ આ સામાન્ય વરસાદમાં તૂટી ગયા છે અને ખાડા પડ્યા છે. એટલે કે નગરપાલિકાનો ભ્રષ્ટાચાર સામે આવ્યો છે. પરંતુ સામાન્ય વરસાદમાં આ હાલત થતી હોય, હજારો નાગરિકો પરેશાન થતા હોય, હજારો વાહનચાલકો પરેશાન થતા હોય તો કયા પ્રકારનું કામ એ એક સવાલ છે. અત્યારે તો નાગરિકોની માગણી છે કે, આ પડેલા ખાડા પૂરાય ધોવાયેલા રોડ રીપેર થાય તો મુશ્કેલીઓમાંથી બહાર આવી શકે.
વિરોધપક્ષના સભ્યોએ નગરપાલિકા પર ભ્રષ્ટાચાર અને હલકી ગુણવત્તાવાળા કામના આક્ષેપો લગાવ્યા છે. આ પ્રકારે સામાન્ય વરસાદમાં મહત્વના ગણાતા રોડ પર ખાડા પડી જતા હોય અથવા તો તૂટી જતા હોય ત્યારે એ કામગીરી કેવી હશે તેની કલ્પના કરી શકાય. અત્યારે તો વિપક્ષની પણ માગણી છે કે, આ રોડ રીપેરિંગ થાય અને જે લોકોએ આ રોડનું કામ કર્યું છે. તેમની સામે કાર્યવાહી થાય તેમની ડિપોઝિટ જપ્ત થાય અને તેમને બ્લેકલિસ્ટ કરવામાં આવે તેવી માગ કરી છે.
કમોસમી વરસાદથી રોડ ધોવાયા છે, એવું તો પાલિકાએ પણ કબૂલી લીધું છે અને અન્ય રોડ ધોવાયા છે કે તૂટી ગયા છે કે કેમ એ પાલિકાને ખબર નથી. સત્તાધીશોને વરસાદમાં રોડનું ધોવાણ થયું છે, મુશ્કેલીઓ પડી રહી છે અને પાલિકાને તો ખબર જ નથી. હજુ તો પાલિકા દ્વારા તૂટી ગયેલા રોડની તપાસ કરવાની બાકી છે. તપાસ કર્યા બાદ તેમને ખબર પડશે કે, કયા રોડ ધોવાઈ ગયા છે અને કયા રોડ પર ખાડા પડ્યા છે. પરંતુ નગરપાલિકામાં બધું લોલમલોલ ચાલી રહ્યું છે, જવાબ આપવો એ માત્ર આશ્વાસન છે.