July 7, 2024

કમોસમી વરસાદથી ખેડૂતોના પાક બગડ્યાં, સરકાર પાસે વળતરની માગ

lok sabha election 2024 gujarat candidate list

કમોસમી વરસાદે પાકને નુકસાન પહોંચ્યું છે.

રતનસિંહ ઠાકોર, બનાસકાંઠાઃ હવામાન વિભાગની આગાહીના પગલે બનાસકાંઠા જિલ્લામાં વહેલી સવારથી જ અનેક પંથકોમાં કમોસમી વરસાદ પડતા ખેડૂતોના જીરુ, રાજગરો, બટાટા, રાયડો જેવા પાકને મોટું નુકસાન થતા ખેડૂતોની હાલત કફોડી બની છે.

બનાસકાંઠાના પાલનપુર, સુઇગામ,વાવ, થરાદ, કાંકરેજ, ધાનેરા, ડીસા સહિત અનેક પંથકોમાં વહેલી સવારથી જ કમોસમી વરસાદ વરસતા ખેડૂતોની હાલત કફોડી બની છે. ખેડૂતોના ખેતરોમાં રહેલા જીરુ, રાયડો, રાજગરો, બટાટા જેવા પાકોને નુકસાન પહોંચ્યું છે. પાલનપુર તાલુકામાં કમોસમી વરસાદ પડતા ગઢ પંથકના અનેક ખેડૂતોને રાતાપાણીએ રોવાનો વારો આવ્યો છે.

પાલનપુરના ગઢ ગામે મોટાભાગના ખેડૂતોના ખેતરમાં વાઢેલા રાજગરાનો પાક પલળી જતા ખેડૂતોને મોટું નુકશાન આવ્યું છે. જીરાનો પાક ખરી પડતા ખેડૂતોને ખર્ચ પણ કાઢવો મુશ્કેલ બન્યો છે. ગઢ ગામના ખેડૂત મુકેશભાઈ ખસેટિયા નામના ખેડૂતે 5 વિઘા જમીનમાં જીરાનું વાવેતર કર્યું હતું. જો કે, તેમણે 70-80 હજારનો ખર્ચ કર્યો હતો. જીરાનો પાક તૈયાર થતા તેમને ત્રણથી ચાર લાખની ઉપજ થાય તેમ હતુ, પરંતુ અચાનક પડેલા કમોસમી વરસાદે તેમના જીરાના પાકને નુકસાન પહોંચતા તેમની હાલત કફોડી બની છે.

તો બીજી તરફ ગઢ ગામના ખેડૂત હરિભાઈ ભૂટકાએ ખેતરમાં મોંઘુ બિયારણ ખાતર લાવી મોંઘી ખેડાઈ આપીને અનેક સપનાઓ સાથે રાજગરાનું વાવેતર કર્યું હતું. જો કે, 4 મહિનાની મહેનત બાદ રાજગરાનો પાક સરસ તૈયાર થતા તેને વાઢીને ખેતરમાં મૂક્યો હતો. અચાનક માવઠું પડતા તમામ રાજગરાનો પાક પલળી જતા તેના દાણા ખરી પડતા ખેડૂતને મોટું નુકસાન આવ્યું છે. જેથી ખેડૂતની હાલત કફોડી બની છે અને તેઓ સરકાર પાસે વળતરની માગ કરી રહ્યા છે.