October 5, 2024

રાહુલ ગાંધીના આગમન પહેલા અમદાવાદ કોંગ્રેસ કાર્યાલય પોલીસ છાવણીમાં ફેરવાયું

અમદાવાદ: લોકસભાના વિપક્ષ નેતા રાહુલ ગાંધી આજે ગુજરાત પ્રવાસે આવવાના છે. રાહુલ ગાંધી આજે અમદાવાદની મુલાકાતે આવવાના છે. જેમાં તેઓ કોંગ્રેસ કાર્યાલય ખાતે રાજકોટ ટીઆપી ગેમઝોન અગ્નિકાંડના પીડિતો સાથે વાર્તાલાપ કરશે. રાહુલ ગાંધીના આગમન પહેલા કોંગ્રેસ કાર્યાલય પોલીસ છાવણીમાં ફેરવાઈ ગયું છે. થોડા દિવસો અગાઉ કોંગ્રેસ કાર્યાલય ખાતે ભાજપ-કોંગ્રેસ કાર્યકરો વચ્ચે પથ્થરમારો થયો હતો. જે બાદ અહીં પોલીસે ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દીધો છે. અહીં સ્થાનિક પોલીસ સાથે BSF કાફલો બંદોબસ્તમાં ગોઠવાયો છે.

રાજકોટનો TRP ગેમ ઝોન અગ્નિકાંડ, વડોદરાનો હરણી બોટકાંડ, મોરબી ઝૂલતો પૂલ દુર્ઘટના અને સુરતની તક્ષશીલા અગ્નિકાંડમાં અનેક લોકોનો જીવ ગયો છે. આ બધી દુર્ઘટનાઓમાં બાળકો સહિત અનેક નિર્દોષોએ જીવ ગુમાવ્યાને પરિવાર હજુ પણ ન્યાયની આશાએ લડત લડી રહ્યા છે. ત્યારે આ ચારેય ઘટનાના પીડિત પરિવાર આજે અમદાવાદમાં કોંગ્રેસ કાર્યાલય ખાતે વિપક્ષ નેતા રાહુલ ગાંધીને મળી પોતાની આપવીતી જણાવશે.

આ પણ વાંચો: આજે રંગીલા રાજકોટનો 414મો સ્થાપના દિવસ

રાહુલ ગાંધીનો ગુજરાત પ્રવાસ કાર્યક્રમ

આજે બપોરે 12.00 કલાકે અમદાવાદ એરપોર્ટ પહોંચશે.
બપોરે 12.30 કલાકે ધરપકડ કરાયેલા કોંગ્રેસના કાર્યકરોને મળશે.
કોંગ્રેસ કાર્યકરોને મળવા વાસણા પોલીસ સ્ટેશન પહોંચશે.
1-1.30 કલાકે પ્રદેશ કાર્યાલય પર કાર્યકર્તાઓને સંબોધન કરશે.
રાજકોટ ટીઆરપી, હરણી, મોરબી, તક્ષશીલા દુર્ઘટનાનાં મૃતકોના પરિવારને રાહુલ ગાંધી બાદમાં મળશે.

ઉલ્લેખનિય છે કે, અમદાવાદ કોંગ્રેસ ભવન ખાતે બજરંગદળના કાર્યકરોકે થોડા દિવસ પહેલા કોંગ્રેસ ભવનમાં તોડફોડ કરી હતી. જે બાદ અહીં કોંગ્રેસ અને ભાજપના કાર્યકરો વચ્ચે પથ્થરમારો થયો હતો. જે બાદ પોલીસે કોંગ્રેસના કેટલાક કાર્યકર્તાઓની અટકાયત કરી હતી. અને કોંગ્રેસની ફરિયાદ પોલીસ ના લેતા શક્તિસિંહ ગોહિલે રાહુલ ગાંધીને ગુજરાત આવવા અપીલ કરી હતી. જે બાદ આજે રાહુલ ગાંધી અમદાવાદ આવી રહ્યા છે અહીં તેઓ અમદાવાદ આવીને ધરપકડ થયેલા નેતાઓને મળી શકે છે.