December 3, 2024

સોમનાથ તીર્થ બૂકિંગના નામે થતી છેતરપિંડીથી સાવધાન: સોમનાથ મંદિર ટ્રસ્ટ

અરવિંદ સોઢા, ગીર સોમનાથ: પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ તીર્થના બુકિંગના નામે ઓનલાઇન ચીટરો દેશ વિદેશના ભાવિકોને ઓનલાઈન ઠગી રહ્યા છે. અનેક બનાવોમાં શ્રદ્ધાથી સોમનાથ આવનાર ભાવિકો બુકિંગના નામે છેતરાઈ રહ્યા છે. ત્યારે આ બાબતે હવે લોકોએ જાગૃત થવાની તાતી જરૂર છે.

દુનિયામાં આધુનિક ટેકનોલોજીએ લોકોને અનેક સુવિધા ઉભી કરી છે. ત્યારે એ સુવિધાને અમુક ઠગ લોકો ધંધાનું સાધન બનાવી અને લોકોને છેતરી રહ્યા છે. પ્રથભ જ્યોતિર્લિંગ એવા સોમનાથ કે જેમના અધ્યક્ષ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ટ્રસ્ટી અમિત શાહ છે. આમ છતાં આ ટ્રસ્ટને ઠગવામાં પણ ચીટરો સતત ભાવિકો ને ઓન લાઈન ઠગી રહ્યા છે. ત્યારે સોશિયલ મીડિયા પર જ દેવકી નામની એક મહિલાએ અમદાવાદના એક વ્યક્તિ સાથે થયેલ બુકિંગ ના નામે ચીટીંગ નો વિડીયો વાયરલ કર્યો હોય જેનાથી લોકોમાં જાગૃતિ લાવવાનો તેમનો સુંદર પ્રયાસ છે.

તો આ બાબતે સોમનાથ ટ્રસ્ટના જનરલ મેનેજર વિજયસિંહ ચાવડાએ જણાવ્યું છે કે છેલ્લા ત્રણેક વર્ષ અગાઉ થી ઓનલાઇન બુકિંગ સોમનાથ ટ્રસ્ટ દ્વારા શરૂ કરાયું છે. ત્યારે અમે લોકોને દરેક રીતે સાવચેત કરવાના પ્રયાસો કરી રહ્યા છીએ. આમ છતાં આવા ફ્રોડ બાબતે 250 થી વધુ પોલીસ ફરિયાદો પણ કરી ચૂક્યા છીએ. સોમનાથ માં (સોમનાથ ડોટ ઓઆરજી) ઓફિસિયલ વેબસાઈટ સિવાય કોઈપણ પ્રકારે મોબાઈલ નંબર પર. google pay, ક્યૂઆર કોડ કે કોઈપણ વ્યવહારો કે બુકિંગો કરાતા નથી જેથી સોમનાથ આવનારા ભાવિકોએ (સોમનાથ ડોટ ઓઆરજી) સિવાય કોઈપણ પ્રકારે વ્યવહારો ન કરવા તેવૂ અમારું નમ્ર સૂચન છે.