September 20, 2024

ભાદરવી પૂનમના પહેલા દિવસે 2 લાખ ભક્તોએ કર્યા અંબે માનાં દર્શન, મંદિરને 80 લાખની આવક

બનાસકાંઠાઃ ભાદરવી પૂનમના મેળાનો આજે બીજો દિવસ છે. ત્યારે મા અંબાનાં દર્શન કરવા અને ભાદરવી પૂનમનો મેળો માણવા માટે મોટી સંખ્યામાં ભક્તો ઉમટી રહ્યા છે.

આ પ્રસંગે સમગ્ર અંબાજી ‘બોલ માડી અંબે, જય જય અંબે’ના નાદથી ગુંજી રહ્યું છે. ભાદરવી પૂનમના મેળાના પ્રથમ દિવસે જ 1.95 લાખ ભક્તોએ મા અંબાનાં દર્શન કરી ધન્યતા અનુભવી હતી. એટલું જ નહીં, પ્રથમ દિવસે જ 80 લાખ રૂપિયાની નિજ મંદિરને આવક થઈ છે. પ્રથમ દિવસે જ 1.70 લાખ જેટલા મોહનથાળનાં બોક્સનું વિતરણ થયું છે. જ્યારે 5 હજાર જેટલા પગપાળા આવતા ભક્તોની મેડિકલ કેમ્પમાં સારવાર કરવામાં આવી છે. આ ઉપરાંત 25 હજારથી વધુ ભક્તોએ નિઃશુલ્ક ભોજનનો પણ લાભ લીધો છે.

પદયાત્રીઓ માટે મેડિકલ કેમ્પની સુવિધા
આ સેવા મેડિકલ કેમ્પમાં બીમાર પદયાત્રીઓની સારવાર માટે કેસ બારી, 4 ઓપીડી જેમાં જનરલ ઓપીડી, મેડિસિન ઓપીડી, ઓર્થોપેડિક ઓપીડી, તેમજ જનરલ સર્જન ઓપીડીની સુવિધા સહિત 14 તબીબી પથારી, 5 ફિઝિયોથેરાપી પથારી તેમજ ઉકાળા વિતરણ માટે આયુર્વેદિક વિભાગ બનાવાયો છે. પદયાત્રીઓ માટે 15 પથારી સાથે સજ્જ મલ્ટિપારા મોનિટર, ઇસીજી, પલ્સ ઓક્સિમીટર, તાપમાન ચકાસણી, તેમજ હૃદયના ધબકારા બંધ પડી જાય તો ઇલેક્ટ્રિક કરંટ આપીને હૃદય ચાલુ કરવાની વ્યવસ્થા સહિત તમામ ઇન્જેક્ટેબલ દવાઓ,ઉચ્ચ એન્ટિબાયોટિક્સ, જીવન બચાવવાની કટોકટીની દવાઓ, તમામ લક્ષણોની દવાઓ, સીરપ, આંખનાં ટીપાં, ક્રીમ, વગેરે પાટો અને એન્ટિસેપ્ટિક સામગ્રીઓ સાથે સુસજ્જ ડ્રેસિંગ રૂમ તૈયાર કર્યો છે.