October 4, 2024

ભાદરવી પૂનમના ત્રીજા દિવસે સાડા 3 લાખ લોકોએ કર્યા મા અંબાનાં દર્શન

અંબાજીઃ યાત્રાધામ અંબાજી ભાદરવી પૂનમ મેળાનો ત્રીજો દિવસ છે. ત્યારે મેળાના ત્રીજા દિવસે 3.50 લાખ બોક્સ મોહનથાળનું વિતરણ થયું છે. 4 લાખ 89 હજાર 318 ભક્તોએ મા અંબાના દર્શન કર્યા છે. આ ઉપરાંત હજારો જેટલા ભક્તો એ નિઃશુલ્ક ભોજનનો લાભ લીધો છે.

મહત્વનું છે કે, દૂર-દૂરથી જય અંબેના નાદ સાથે નીકળેલા સંઘો તેમજ યાત્રિકો પગપાળા અંબાજી પહોચી માતાજીના દર્શન કરીને ધન્યતા અનુભવી રહ્યા છે. મેળાના બીજા દિવસે આશરે 3.05 લાખ જેટલા માઈભક્તો ઉમટ્યા હતા. અત્યાર સુધીમાં અંદાજે પાંચ લાખથી વધુ ભક્તોએ જગત જનની મા અંબાના દર્શન કરી ધન્યતા અનુભવી હતી અને હુજ 20 લાખથી વધુ ભક્તો દર્શન કરે તેવી શક્યતા છે.

પોલીસ તંત્રની ચાંપતી નજર
બનાસકાંઠા જિલ્લામાં આવેલા વિશ્વવિખ્યાતમાં અંબાના ધામ અંબાજીમાં ભાદરવી પૂનમનો મહામેળો યોજાયો છે. સાત દિવસીય આ મહામેળામાં ગુજરાત સહિત અલગ અલગ વિસ્તારોમાંથી લાખો પદયાત્રિકો પદયાત્રા ખેડી અંબાજી પહોંચશે. ત્યારે અંબાજીમાં આવનારા લાખો પદયાત્રિકોની સુરક્ષાને લઈને બનાસકાંઠા પોલીસ ત્રીજી આંખથી સજ્જ થઈ લાખો લોકો પર નજર રાખી રહી છે.

બનાસકાંઠા જિલ્લામાં આવેલા પવિત્ર વિશ્વવિખ્યાત મા અંબાના ધામ અંબાજીમાં સાત દિવસીય ભાદરવી મહાકુંભ યોજાયો છે. આ મહાકુંભમાં ગુજરાત સહિત અલગ અલગ વિસ્તારોમાંથી લાખો માઇભક્તો પદયાત્રા કરી મા અંબાના ધામ અંબાજીમાં પહોંચતા હોય છે. આ સાત દિવસોમાં અંબાજીમાં લાખો લોકોનું ઘોડાપૂર ઉમટતું હોય છે. ત્યારે આ લાખો લોકોની સુરક્ષાની જવાબદારી બનાસકાંઠા પોલીસને શિરે હોય છે. ત્યારે બનાસકાંઠા પોલીસ દ્વારા પોલીસ પેટ્રોલિંગ તો ખરી જ પરંતુ સાથે સાથે સીસીટીવી અને બોડી વોર્ન કેમેરાથી જવાનો સજ્જ થયા છે.

પોલીસ દ્વારા અંબાજી વિસ્તારને 650 અલગ અલગ જાતના સીસીટીવી કેમેરા, બે ડ્રોન કેમેરા અને 20 જેટલા બોડીવોર્ન કેમેરાથી બનાસકાંઠા પોલીસ કંટ્રોલરૂમમાંથી સીસીટીવીને આધારે અંબાજીમાં આવતા લાખો લોકો ઉપર બાજ નજર રાખી રહી છે. આ સાથે જ પોલીસે આ સીસીટીવી કેમેરામાં SRS સિસ્ટમ સજ્જ કરી છે. જેથી પોલીસના ડેટાબેઝના આરોપીઓ મંદિર વિસ્તારમાં પ્રવેશે તો આ સિસ્ટમ તુરંત જ પોલીસને એલર્ટ કરે છે. જેથી પોલીસ આરોપીઓ પર તુરંત જ પગલાં લઈ શકે. મેળા દરમિયાન અંબાજી વિસ્તારમાં કોઈ ચોરી, ખિસ્સા કાતરું કે કોઈ અનિચ્છનીય ઘટના ન બને તેને લઈ બનાસકાંઠા પોલીસ ત્રીજી આંખથી સજજ થઈ સતત લાખો લોકો પર એક જ સ્થળેથી નજર રાખી રહી છે.