September 14, 2024

સુરતના પૂણા વિસ્તારમાં હથોડાના ઘા ઝીંકી ભાણીયાએ કરી મામાની હત્યા

અમિત રૂપાપરા, સુરત: સુરત શહેરમાં ક્રાઇમની ઘટનામાં સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે વધુ એક હત્યાની ઘટના સુરતના પૂણા વિસ્તારમાં સામે આવી છે. આ ઘટનામાં ભાણીયા દ્વારા જ મામાની હત્યા કરવામાં આવી છે. ભાવનગરના નસીતપુર ગામમાં રહેતી એક યુવતીને તેના ફઈનો દીકરો ભગાડીને સુરત લાવ્યો હતો અને ત્યારબાદ પરિવારના સભ્યો દીકરીને લેવા સુરત આવતા ભાણીયાએ બે મામા અને તેના એક પુત્ર પર હથોડા વડે હુમલો કરી એક મામાની હત્યા કરી હતી.

આ પણ વાંચો: ગુજરાતની આ 10 લોકસભા બેઠક પર ભાજપને કોંગ્રેસ કરતાં ડબલ વોટ મળ્યાં

ભાવનગરના નસીતપુર ગામમાં મનસુખભાઈ વાઘેલા તેના પરિવાર સાથે રહેતા હતા. મનસુખભાઈના નાનાભાઈ બાબુભાઈ વાઘેલાની દીકરીને તેના ફઈનો દીકરો વિશાલ ભગાડીને સુરત લાવ્યો હતો, ત્યારબાદ આ વાતની જાણ બાબુભાઈ વાઘેલાને થતા તેઓ પોતાની દીકરીની સુરતથી પરત લઈ ગયા હતા અને દીકરીના બીજી જગ્યા પર લગ્ન કરાવી દીધા હતા. જોકે લગ્ન થયા હોવા છતાં પણ વિશાલ ફરીથી પોતાના મામાની દીકરીને ભગાડીને સુરત લાવ્યો હતો.

આ પણ વાંચો: સુરતમાં વિદ્યાર્થીઓ સરકારી શાળા તરફ વળ્યાં, 5 વર્ષમાં 45 હજાર બાળકોએ ખાનગી શાળા છોડી

લગ્ન બાદ ભાગીને સુરત આવેલી દીકરીને લેવા માટે બાબુભાઈ વાઘેલા અને તેના મોટાભાઈ મનસુખભાઈ વાઘેલા અને બાબુભાઈનો દીકરો વિક્રમ ભાવનગરથી સુરત આવ્યા હતા અને પુણાગામ વિસ્તારમાં નીલગીરી ઝૂંપડપટ્ટીમાં વિશાલ રહેતો હતો તે જગ્યા પર આ ત્રણેય લોકો પહોંચ્યા હતા, ત્યારબાદ મામાએ વિશાલને દીકરી ક્યાં છે તેવું પૂછતા જ વિશાલ પોતાના મામા મનસુખભાઈ, બાબુભાઈ અને મામાના દીકરા વિક્રમ પર હથોડા જેવા હથિયાર લઈને તૂટી પડ્યો હતો. આ ઘટનામાં વિક્રમે પોતાના મામાના માથામાં ગંભીર ઇજા કરી હતી અને બાબુભાઈના મોટાભાઈ મનસુખભાઈના શરીર પર ખૂબ જ કૃરતા પૂર્વક હથોડાના ઘા ઝીંક્યા હોવાના કારણે મનસુખભાઈનું ઘટના સ્થળ પર જ મોત થયું હતું.

આ પણ વાંચો: ઉનાળાની શરૂઆતમાં જ ભૂજવાસીઓ પાણીની સમસ્યાથી પરેશાન, તંત્ર દોડવા લાગ્યું!

આ ઘટનાને લઈને 108 દ્વારા તાત્કાલિક ઇજાગ્રસ્ત બાબુભાઈને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. તો ઘટનાની જાણ થતા પોલીસ પણ ઘટના સ્થળ પર દોડી આવી હતી. હાલ બાબુભાઈની સ્થિતિ પણ ગંભીર હોવાનું કહેવામાં આવી રહ્યું છે. પોલીસે આ સમગ્ર મામલે મામાની હત્યા કરનારા ભાણીયા વિશાલ સામે હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.