September 19, 2024

ભરત છાબડાના 10 દિવસના પોલીસ રિમાન્ડ મંજૂર

આશુતોષ ઉપાધ્યાય, અમદાવાદ: જુદી જુદી એજન્સીઓના અધિકારી હોવાની ઓળખ આપી છેતરપિંડી કરતા આરોપીની અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ધરપકડ કરી છે. આરોપી વિરુદ્ધ અમદાવાદ અને ગાંધીનગરમાં કુલ ચાર ગુના નોંધાયા હતા. છેલ્લા દોઢ મહિનાથી ફરાર આરોપીની હરિયાણાના કરનાલથી ધરપકડ કરી છે. આરોપીની ધરપકડ બાદ તેણે બનાવટી દસ્તાવેજો પણ બનાવ્યા હોવાનુ સામે આવ્યું છે. અન્ય માહિતી મેળવવા દસ દિવસના રિમાન્ડ પણ મેળવવામાં આવ્યા છે.

આરોપી ભરત છાબડા પોતે PMO, CBI કે રો જેવી કેન્દ્રીય એજન્સીમાં ઉચ્ચ હોદ્દા પર ફરજ બજાવે છે. તેવી છાપ ઊભી કરી લોકો સાથે ઠગાઈ કરતો હતો. ભરત છાવડા વિરુદ્ધ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચમાં ત્રણ અને અડાલજમાં એક ફરિયાદ નોંધાય છે. ફરિયાદ નોંધાયા બાદ છેલ્લા દોઢ મહિનાથી ભરત છાબડા પોતાના ફોન બંધ કરી અલગ અલગ જગ્યાએ છુપાતો ફરતો હતો, જોકે આરોપી હરિયાણાના કરનાલમાં છુપાયો હોવાની માહિતી મળતા તેની સામે કાર્યવાહી કરવામાં આવી છે.

ક્રાઇમ બ્રાન્ચના એસપીએ જણાવ્યું કે, ભરત છાબડા વિરુદ્ધ અલગ અલગ નોંધાયેલી ફરિયાદમાં પહેલી ફરિયાદ હોટલ માલિકે નોંધાવી હતી, જેમાં CBIના અધિકારી તરીકે ત્રણ વખત હોટલમાં રોકાઈ રૂપિયા ચૂકવ્યા વિના ફરાર થઈ ગયો હતો. અન્ય ફરિયાદમાં પ્રશાંત તમાંચેના પિતા પાસામાં જેલમાં હોવાથી તેને છોડાવવા બે લાખ 22 હજાર રૂપિયા પડાવી લીધા હતા. ક્રાઈમ બ્રાન્ચમાં નોંધાયેલી ત્રીજી ફરિયાદમાં ભરત સંગતાણી નામના ફરિયાદી પાસેથી 50 હજાર રૂપિયા પડાવી લીધા અને તેનું આધાર કાર્ડ લીધા બાદ તેમાં ચેડાં કરી અન્ય બનાવટી આધાર કાર્ડ પણ બનાવ્યું હતું. આરોપીને પૂછપરછમાં તેણે આવા ત્રણ આધારકાર્ડ બનાવ્યા હોવાનું સામે આવ્યું છે. જેને લઇ પોલીસે તેની વધુ તપાસ શરૂ કરી દીધી છે.

આ પણ વાંચો: ભારત વિકાસ પરિષદ દ્વારા કેશોદની મોદક સ્પર્ધામાં એક ભાઇ આરોગી ગયા 12 લાડુ

આરોપી ભરત છાબડાની ધરપકડ કરી તપાસ કરતા તે હરિયાણામાં પોલીસ અધિકારી – કર્મચારીઓની બદલી પણ કરાવતો હોવાનું સામે આવ્યું છે. એટલે કે હરિયાણા સરકારમાં બેઠેલા કેટલાક અધિકારીઓ પણ તેને સાચો સીબીઆઈ, રો કે કેન્દ્રીય એજન્સીનો અધિકારી માનતા હતા. સાથે જ ભરત છાબડા અલગ અલગ 20થી વધુ સીમકાર્ડનો ઉપયોગ કરતો અને ભારતના મહત્વના મેટ્રોસિટીઝ અને મોટા રાજ્યોમાં અધિકારી તરીકે ફરતો હતો. જેથી તેણે અન્ય કયા કયા છેતરપિંડી કરી છે તે જાણવા તેના દસ દિવસના રિમાન્ડ પણ મેળવવામાં આવ્યા છે.