February 25, 2025

ભારતી પરિવારનું સૂત્ર ભજન કરો, ભોજન કરાવો; સતત ચોથી પેઢીએ ગુરૂ શિષ્ય નીભાવે છે પરંપરા

સાગર ઠાકર, જૂનાગઢ: ગિરનારની ભૂમિ સિધ્ધ મહાપુરૂષોની ભૂમિ છે, અનેક સંતો મહંતો એવા થયા કે જેને લોકો આજે પણ યાદ કરે છે અને તેમાં એક નામ આવે છે ભારતી બાપુનું… ભવનાથ તળેટીમાં આવેલો ભારતી આશ્રમ કે જ્યાં ચોથી પેઢીએ ગુરૂની આજ્ઞાનું પાલન થઈ રહ્યું છે, ભજન કરો અને ભોજન કરાવોની પરંપરા આજે ચોથી પેઢીએ પણ યથાવત છે.

ગિરનારની તળેટી કે જ્યાં ભજન ભક્તિ અને ભોજનનો ત્રિવેણી સંગમ જોવા મળે છે, એક સમય હતો કે ભવનાથમાં માત્ર એકતારા સાથે ભજનિકો ભજન ગાતાં કારણ કે ત્યારે કોઈ પાસે વાદ્ય વાજીંત્ર કે આધુનિક સાઉન્ડ સિસ્ટમ ન હતી અને માત્ર એકતારા થી ભજનો ગવાતા હતા અને તે સમયે સંતો પોતે ભજન કરતાં અને પોતે જ ભાવિકોને ભોજન પણ કરાવતાં આ સમયે ભવનાથમાં થતાં ભજનમાં એક ક્રાંતિ આવી…

અમદાવાદના સરખેજ અને જૂનાગઢના ભવનાથમાં જેમણે આશ્રમ સ્થાપિત કરીને સેવાકીય પ્રવૃત્તિ શરૂ કરી તેવા મહામંડલેશ્વર વિશ્વંભર ભારતી બાપુના નામથી સૌ કોઈ પરીચીત હશે પરંતુ શું તમે જાણો છો કે ભવનાથમાં થતાં ભજનમાં ક્રાંતિ લાવનાર સંત કોણ હતા… આ સંત હતા વિશ્વંભર ભારતી બાપુના ગુરૂ અવંતિકા ભારતી બાપુ…

જી હાં… ભવનાથમાં માઈક અને હારમોનિયમ સાથે ભજનની શરૂઆત કરીને સંતવાણી ક્ષેત્રે ક્રાંતિ લાવનાર સંત એટલે અવંતિકા ભારતી બાપુ… આવો અમે આપને જણાવીએ ભારતી પરિવાર વિશે. શું છે ભારતી પરિવારનો ઈતિહાસ…

મહામંડલેશ્વર શ્રી વિશ્વંભર ભારતીજી મહારાજના ગુરૂ શ્રી અવંતિકા ભારતીજી મહારાજ દશ વર્ષની વયે સન્યાસી થયા, અમરેલી જીલ્લાના ઘાંટવડ ગામે રૂદ્રેશ્વર મહાદેવના શ્રીમહંત સૂર્યપ્રકાશ ભારતીજી મહારાજના શિષ્ય બન્યા.

ગુરૂ જ સાક્ષાત ઈશ્વર છે અને ગુરૂ આજ્ઞાથી જ શ્રી અવંતિકા ભારતીજી ઘાંટવડ થી સમગ્ર રાજ્યના પરિભ્રમણ માટે નીકળી ગયા, પરિભ્રમણ દરમિયાન તેઓ અમદાવાદ આવ્યા સેવકોની લાગણીને માન આપી અમદાવાદ સરખેજ ખાતે આશ્રમ સ્થાપિત કર્યો. ઈ.સ. 1969માં સરખેજ રેલ્વે સ્ટેશન પાસે આશ્રમ સ્થાપિત કરવા માટેની વહીવટી પ્રક્રિયા બાદ ઈ.સ. 1971માં નિર્માણ કાર્ય શરૂ થયું અને આજે સરખેજ અમદાવાદ ખાતે એક ભવ્ય ભારતી આશ્રમ સ્થાપિત છે.

ઈ.સ. 1965માં પ્રયાગરાજ કુંભમાં શ્રી અવંતિકા ભારતીજીએ મહામંડલેશ્વર વિશ્વંભર ભારતીજીને સન્યાસ દિક્ષા આપી, વિશ્વંભર ભારતી બાપુનું જન્મસ્થાન બુટભવાની માતાનું ગામ અરણેજ છે અને પંચાલ પરિવારમાં તેમનો જન્મ થયો હતો.

ભાદરવા સુદ બીજ શુક્રવાર અને તા. 27-08-1976ના રોજ 42 વર્ષની વયે શ્રી અવંતિકા ભારતીજી બ્રહ્મલીન થયા અને આશ્રમની જવાબદારી શ્રી વિશ્વંભર ભારતીજી પર આવી પડી, ગુરૂ આજ્ઞા મુજબ ભજન અને ભોજનને પોતાનો મંત્ર બનાવ્યો. આશ્રમના વિકાસ હેતુ ઈ.સ. 1978માં શ્રી ભારતી આશ્રમ સેવા ટ્રસ્ટની રચના કરી તે સમયે શ્રી મોરારીબાપુની રામકથાનું આયોજન કરાયું હતું.

પોતાના ગુરૂ બ્રહ્મલીન થયા બાદ ગુરૂના સંકલ્પને સિધ્ધ કરવા અન્ન ગ્રહણ ન કરવાની પ્રતિજ્ઞા લીધી હતી અને સાડા સાત વર્ષ સુધી અન્ન ગ્રહણ ન કર્યુ તા. 13-05-1983ના મહારૂદ્રયાગમાં દ્વારકા શારદાપીઠના જગદગુરૂ શંકરાચાર્ય સ્વામી શ્રી સ્વરૂપાનંદ સરસ્વતીજી મહારાજના હાથે ઉપવાસના પારણાં કર્યા હતા. સેવાને જ પોતાનો ધર્મ માની અવિરત સેવાકાર્યો કર્યા.

તા. 24-01-1993ના રોજ શ્રી પંચ દશનામ જૂના અખાડાના પદાધિકારીઓ અને આચાર્ય મહામંડલેશ્વર શ્રી જૂના પીઠાધીશ્વર સ્વામીશ્રી લોકેશાનંદ ગીરીજી મહારાજ અને સર્વ સંમતિથી શ્રી વિશ્વંભર ભારતીજીને અખાડાના મહામંડલેશ્વરનું ગૌરવશાળી સર્વોચ્ચ પદ એનાયત કરી પટ્ટાભિષેક કરાયો હતો તે સમયે રાજ્યના મુખ્યમંત્રી ચીમન પટેલ, નાણામંત્રી છબીલદાસ મહેતા, સાંસદ ઉર્મિલા પટેલ અને સાધુ-સંતો ઉપસ્થિત રહ્યા હતા.

તા. 19-05-1994ના રોજ ભવનાથ તળેટીમાં ભારતી આશ્રમ સ્થાપિત કરવા માટેની જમીન ખરીદી સહીતની કામગીરી કરીને તા. 17-02-1995ના મહાશિવરાત્રીના દિવસે શ્રી મોરારીબાપુના હસ્તે આશ્રમ નિર્માણની કામગીરી શરૂ કરવામાં આવી, ચાર વર્ષના ટુંકાગાળામાં ભવનાથ તળેટીમાં શ્રી ભારતી આશ્રમનું નિર્માણ કાર્ય પૂર્ણ થયું જ્યાં અતિથિગૃહ, ભોજનાલય, ગૌશાળા, સત્સંગ હોલ, સાધના કુટીર સહીતનું નિર્માણ કાર્ય કરીને સેવાયજ્ઞ શરૂ કરાયો.

10 એપ્રિલ 2021ના રોજ 93 વર્ષની જૈફ વયે શ્રી ભારતીબાપુ બ્રહ્મલીન થયા, પોતાના ગુરૂની આજ્ઞાનું જીવન પર્યંત પાલન કર્યું, સરખેજ અને ભવનાથ બન્ને ભારતી આશ્રમ ખાતે અવિરત સેવાયજ્ઞ ચાલુ કર્યા, ભૂખ્યાને ભોજન આપવું અને ભજન કરવું… આ જીવનનો એક મંત્ર બનાવીને ભજન કરો અને ભોજન કરાવોના સુત્રને ચરિતાર્થ કર્યું અને તેમની પરંપરાને તેમના શિષ્ય મહામંડલેશ્વર શ્રી હરીહરાનંદ ભારતી બાપુએ પણ જાળવી રાખી છે, એટલે સતત ચોથી પેઢીએ ભજન અને ભોજનના સૂત્રને ભારતી આશ્રમ પરિવાર સાર્થક કરે છે. અવંતિકા ભારતી બાપુ પોતે એક સંન્યાસી સાથે એક સારા ભજનિક પણ હતા. તેવી જ રીતે વિશ્વંભર ભારતી બાપુ પણ સારા ભજનિક હતા, ગુરૂનો આદેશ કે ભજન કરો ને ભોજન કરાવો… આજે પણ ભારતી આશ્રમમાં જે મહંત હોય છે એ આ સૂત્રને સાર્થક કરે છે, આજેપણ ભારતી આશ્રમમાં મહાશિવરાત્રી દરમિયાન ભજન અને ભોજનની પરંપરાને જાળવી રાખવામાં આવી છે.