November 24, 2024

બગદાણામાં ગુરુપૂર્ણિમાની ઉજવણી, CM ભૂપેન્દ્ર પટેલે ગુરુપાદુકા પૂજન કર્યું

ભાવનગરઃ ગુરુ આશ્રમ બગદાણા ધામમાં ધામધૂમપૂર્વક ગુરુપૂર્ણિમાની ઉજવણી કરવામાં આવી છે. આજે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુ બજરંગદાસ બાપાના ચરણોમાં શિશ નમાવવા માટે ગઈકાલ રાતથી જ ઉમટી પડ્યા હતા. ગુરુના ચરણોમાં શિશ નમાવી ભાવિકોએ ધન્યતા અનુભવી છે. ગુરુ આશ્રમ બગદાણા દ્વારા બે દિવસ દરમિયાન એક લાખ કરતાં વધુ શ્રદ્ધાળુ માટે પ્રસાદીથી લઈ તમામ પ્રકારની વ્યવસ્થાઓ કરવામાં આવી છે. આ સાથે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે ગુરુપૂજનનો લ્હાવો લીધો હતો.

બગદાલમ ઋષિ, બગડેશ્વર મહાદેવ, બગડ નદી, બગદાણા ગામ અને બજરંગદાસ બાપા એમ પાંચ ‘બ’ના શુભ સમન્વયવાળા પાવન ગામ બગદાણામાં ગુરુપૂણિમા મહોત્સવ ધામધૂમથી ઉજવવામાં આવ્યો છે. બગદાણા ગુરુ આશ્રમની પાવનધરા પર વર્ષોથી ચાલી આવતી ઉજવણી પરંપરાના આ મહોત્સવમાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તજનો સામેલ થયા છે. આ ગુરુપૂણિમા મહોત્સવે બગદાણામાં વહેલી સવારથી જ વિવિધ ધાર્મિક કાર્યક્રમો શરૂ થયા છે. જેમાં અષાઢી પૂનમના રોજ મંગળા આરતી સવારે 5 કલાકે, ધ્વજા પૂજન સવારે 7થી 8 કલાક સુધી, ધ્વજારોહણ સવારે 8થી 8.30 કલાક સુધી, ગુરુ પૂજન સવારે 8.30થી 9.30 કલાક સુધી, રાજભોગ આરતી સવારે 9.30થી 10 કલાક સુધી, જ્યારે ભોજન પ્રસાદ વિતરણ સવારના 10 કલાકથી અવિરતપણે શરૂ થયું હતું. જેમાં રાજ્યના મુખ્યમંત્રીએ પણ બગદાણામાં ગુરુપૂજનનો લાભ લીધો હતો.

આ ગુરુપૂણિમા મહોત્સવમાં એક લાખથી પણ વધારે ભાવિક ભક્તો ઉપસ્થિત રહેવાના હોવાથી તેમની વ્યવસ્થા અને તૈયારી માટે અહીં આગોતરું આયોજન કરવામાં આવ્યું હતું. રવિવારે ૩૦૦ ગામોના સ્વયંસેવકોને કામગીરીની સોંપણી કરી દેવામાં આવી છે. 4000 કરતાં વધુ સ્વયંસેવકો બે દિવસ દરમિયાન સેવા આપશે. તેમજ એક લાખ કરતાં વધુ શ્રદ્ધાળુઓ આ બે દિવસ દરમિયાન દર્શને આવતા હોય જેને લઈને તેમને પ્રસાદ સહિતની વ્યવસ્થાઓ મંદિર તરફથી ઊભી કરવામાં આવી છે. આ ઉપરાંત આ વખતે રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ ગુરુપૂર્ણિમાના દર્શને આવવાના હોવાથી વહીવટી તંત્ર અને પોલીસ તંત્રએ સુરક્ષા વધારી દીધી હતી.

આજે સમગ્ર ગુજરાત સહિત દેશભરમાં ગુરુપૂર્ણિમાની ભાવભેર ઉજવણી કરવામાં આવી હતી. આ સાથે સોરાષ્ટ્રના સંત એવા બજરંગદાસ બાપાના સાનિધ્ય એવા બગદાણામાં પણ ગુરુપૂર્ણિમાની ભાવસભર ઉજવણી કરવામાં આવી હતી. ગુરુપૂર્ણિમા પર આવતા લાખો ભક્તો માટે બગદાણા ટ્રસ્ટ તરફથી પ્રસાદીના ભાગરૂપે દાળ, ભાત, શાક, રોટલી સહિતનાં વ્યંજનનો પીરસવામાં આવ્યા હતા. આ સાથે આજના દિવસનો મહિમા અનેરો હોવાથી લાખો ભક્તોએ ગુરુઆશ્રમ બગદાણામાં લોકોની ભારે ભીડ જોવા મળી હતી. ભાવવિભોર સાથે ગુરુપૂર્ણિમાની ઉજવણી કરી હતી.