News Capital Reality Check: ભાવનગરમાં દર્દીઓને નથી મળી રહી આરોગ્યની સુવિધાઓ, લોકોને થઈ રહી છે હાલાકી

સિદ્ધાર્થ ઘોઘારી, ભાવનગર: સરકાર દ્વારા બજેટમાં આરોગ્યનું કરોડો રૂપિયાની ફાળવણી કરવામાં આવે છે. પરંતુ જો ભાવનગર શહેર અને જિલ્લાની વાત કરવામાં આવે તો આરોગ્યના નામે મીંડુ છે. સાધનો છે તો ચાલતા નથી અને ચાલે છે તો તેને ચલાવવા માટે સ્ટાફ નથી.
સાત થી આઠ મહિનાથી લિફ્ટ બંધ
ભાવનગર શહેરમાં 13 વોર્ડની અંદર 13 અર્બન હેલ્થ સેન્ટર આવેલા છે જે ભાવનગર મહાનગરપાલિકાના સીધી દેખરેખની અંદર આવતા હોય છે. ભાવનગર પશ્ચિમના બોર તળાવ બોર્ડમાં આવેલો અર્બન હેલ્થ સેન્ટરની જો વાત કરવામાં આવે તો બે માળનું બિલ્ડીંગનું લોકાર્પણ 2022માં પશ્ચિમના ધારાસભ્ય જીતુભાઈ વાઘાણી દ્વારા કરવામાં આવ્યું હતું. આ હેલ્થ સેન્ટરમાં છેલ્લા સાત થી આઠ મહિનાથી લિફ્ટ બંધ છે અને મજાની વાત એ છે કે આ બિલ્ડીંગમાં ઓ.પી.ડી પેહલા માળે જોવામાં આવે છે. જો દર્દીને આયુષ્માન કાર્ડ કાઢવવાનું હોય તો બીજા માળે દાદર ચડીને જવા માટે મજબૂર બને છે.
ડોક્ટરને તબિયત બતાવા આવે છે
અપંગ , વૃદ્ધ અને સગર્ભા મહિલાઓ જ્યારે આ હેલ્થ સેન્ટરમાં ડોક્ટરને તબિયત બતાવા આવે છે ત્યારે તેઓને ખૂબ હાલાકી પડતી હોય છે. લિફ્ટ બંધના મુદે જ્યારે આરોગ્ય અધિકારી આર કે સિંહા સાથે વાત કરવામાં આવી ત્યારે તેમણે “ખો” આપતા કહ્યું “અમે બિલ્ડીંગ વિભાગને આ બાબતે જાણ કરી દીધી છે” અને બિલ્ડીંગ વિભાગના એક્ઝિક્યુટિવ ઇજનેર સૂર્યદીપસિંહે લૂલો બચાવ કરતા કહ્યું “અમે કોન્ટ્રાક્ટર ને જાણ કરી દેશું અને તો પણ લિફ્ટ કાર્યરત નહી થાય તો તેની ડિપોઝિટ જપ્ત કરીશું”. શહેરમાં આવેલા દરેક અર્બન હેલ્થ સેન્ટરના લિફ્ટની હાલત આવી જ છે . સરકારી બાબુઓ એકબીજાને ખો આપવાની રમત રમે છે. પરંતુ દર્દીઓ કેટલા હેરાન થાય છે તેમની તેઓને ખબર નથી.
આ પણ વાંચો: News Capital Reality Check: આંકોલવાડીમાં દર્દીઓ થઈ રહ્યા છે રોજ હેરાન, તબીબોને નથી રહી ઊંઘ પૂરી
એક ડોક્ટરની નિમણૂક કરવામાં આવી
આરોગ્યમાં ફક્ત શહેરની જ આવી હાલત છે તેવું નથી પણ પરંતુ જિલ્લામાં પણ કંઈક આવા જ હાલ છે. સરકારે કરોડો રૂપિયા ખર્ચ કરીને ઘોઘા ખાતે કોમ્યુનિટી હેલ્થ સેન્ટર બનાવવામાં આવ્યું છે. જેની અંદર બધા જ પ્રકારના સાધનો ઉપલબ્ધ છે. પરંતુ આ સાધનો નો ઉપયોગ કરવા માટે ડોક્ટરો જ નથી. ઘોઘા CHC સેન્ટર ની જો વાત કરવામાં આવે તો ઘોઘા CHC માં વર્ગ બે ના મેડિકલ ડોક્ટરો ની ત્રણ જગ્યા વર્ષો થી ખાલી પડેલ છે. હાલમાં વર્ગ બે ના એક ડોક્ટરની નિમણૂક કરવામાં આવી છે પરંતુ તે પણ એક વર્ષના બોન્ડ સાથે , એક વર્ષ પૂર્ણ થતા ફરી પાછા ત્રણ ડોક્ટરોની જગ્યા ખાલી રહેશે , જેને લઈને આવનાર દર્દીઓને ખૂબ તકલીફ પડે છે. ઘોઘ માં આવેલ આયુષ્માન મંદિરને તો સવારના 10 વાગે ન્યૂઝ કેપિટલની ટીમ પહોંચી ત્યારે તાળા જ જોવા મળ્યા હતા. જ્યારે તેમનો સમય સવારે 9.00 વાગ્યાનો હોય છે. ઈમરજન્સી રૂમને પણ મોટું તાળુ જોવા મળ્યુ હતું. તળાજા તાલુકાના ત્રાપજ ગામના હેલ્થ સેન્ટરેતો બધી જ હદો વટાવી દીધી છે. ત્રણ મહિના પેહલા એકસ્પાયર થયેલ હડકવાની રસી પાંચ દર્દીઓને આપી દેવામાં આવી હતી. આ મુદે લઈને ડોક્ટરને પૂછતા ડો. ચંદ્રમની કુમારે જણાવ્યું કે જે તે કર્મચારી ની બેદરકારી ઉપર પગલા લેવામાં આવશે.