July 1, 2024

ગંગાજળિયા તળાવની જાળવણીના નામે મીંડુ, દુર્ગંધ વધતા જનતા ત્રાહિમામ્

ભૌમિક સિદ્ધપુરા, ભાવનગરઃ શહેરની મધ્યમાં આવેલા ભાવનગર મહાનગરપાલિકા હસ્તકના ગંગાજળિયા તળાવના નવીનીકરણ માટે 10 કરોડનો ખર્ચ કર્યા બાદ તેની જાળવણીના નામે મીંડું જોવા મળી રહ્યું છે. ત્રણ તરફનો રસ્તો ધરાવતા તળાવના પાણીમાં વનસ્પતિ અને કચરાની ગંદકીથી દુર્ગંધ વધતા તળાવ આસપાસની જનતા માટે માથાનો દુખાવો બની છે. આ મામલે વિપક્ષના કટાક્ષ સામે સત્તાપક્ષ લૂલો બચાવ કરતા નજરે પડ્યો હતો.

ભાવનગર શહેરની મધ્યમાં આવેલું ગંગાજળિયા તળાવનું આશરે પાંચ વર્ષ પહેલાં 10 કરોડના ખર્ચે બ્યુટિફિકેશન કર્યું છે. પરંતુ હાલમાં તળાવના કાંઠે બેસવા જેવી સ્થિતિ નહીં હોવાને પગલે તલાવમાં વનસ્પતિ ઉગી ગઈ છે તેને કાઢવાનો સમય પણ મહાનગરપાલિકા પાસે નથી. કરોડોનો ખર્ચ કર્યા પછી સ્વચ્છતા જાળવવી પડે તે પણ નથી જળવાતી. તળાવનું મેન્ટેનન્સ રાખવું પડે પણ રખાતું નથી. અન્ય પ્રોજેક્ટમાં પણ મેન્ટેનેન્સ દેખાતું નથી. ગંગાજળિયા તળાવની આસપાસના રસ્તા પર ચાલતા લોકોને તળાવની દુર્ગંધના કારણે મુશ્કેલી ઉભી થઇ રહી છે.

આ પણ વાંચોઃ 10 જિલ્લામાં ભારે વરસાદની આગાહી, સૌરાષ્ટ્રમાં રેડ એલર્ટ

શહેરની મધ્યમાં સ્થિત ગંગાજળિયા તળાવને અંદાજે પાંચ વર્ષ પહેલાં 10 કરોડના ખર્ચે નવીનીકરણ કરીને લોકોની સુવિધા સભર બનાવવામાં આવ્યું છે. તે બાબતે મહાનગરપાલિકાના શાસક પક્ષ અને વિપક્ષ સાથે જ્યારે આ બાબતે વાત કરવામાં આવી તો તે બાબતે વિપક્ષના પૂર્વ નેતા જયદીપસિંહ ગોહિલે જણાવ્યું કે, ગંગાજળીયા તળાવના બ્યુટિફિકેશન માટે અંદાજિત 11 કરોડ રૂપિયા ખર્ચ કર્યો છે, તે બાદ પણ તળાવની સુંદરતામાં ચાર ચાંદ લગાડવાના બદલે તળાવના પાણીમાં ગંદકી જોવા મળી રહી છે. તેમજ તળાવની સ્વચ્છતા માટે જે જરૂરી મેન્ટેનેન્સ થવું જોઈએ તે પણ આ શાસકો દ્વારા રાખવામાં આવતી નહીં અને પ્રજાના પૈસાનું પાણી ફેરવવામાં આવી રહ્યું છે. જ્યારે તળાવની સુંદરતા બાબતે શાસક પક્ષ દ્વારા સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જણાવેલા કે, લોકોને હરવાફરવા મળી રહે તે માટે કરોડોના ખર્ચે તળાવને વિકસાવવામાં આવ્યું છે. તળાવ સંદર્ભે જે નાની મોટી ફરિયાદો આવી રહી છે તેને તાત્કાલિક ધોરણે દૂર કરવામાં આવશે અને સખ્ત પગલાં લઈ લોક ઉપયોગી બની રહેવા તેવા અમારા પ્રયાસો રહેશે.

આ પણ વાંચોઃ 24 કલાકમાં 153 તાલુકામાં વરસાદ, માતરમાં ‘મેઘકહેર’

ગંગાજળીયા તળાવ આસપાસ તેમજ તળાવને દીવાલને અડીને આવેલા કોમ્પ્લેક્ષના વેપારીઓ દ્વારા આ બાબતે જણાવ્યુ કે, તળાવના પાણીમાં ગંદકીને કારણે વારંવાર દુર્ગંધના કારણે વેપારીઓ અને ગ્રાહકોને પણ ભારે મુશ્કેલીઓ પડી રહી છે. આ ઉપરાંત તળાવ લોકોને હરવાફરવા માટે સારી અને સુંદર જગ્યા મળી રહી તે માટે પાલિકા દ્વારા ખર્ચ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ તેની સારસંભાળ કે જાળવણી રાખવામાં આવતી નથી. તેમજ શહેરીજનો દ્વારા પાલિકા પાસે માગ કરવામાં આવી રહી છે કે, જો આ તળાવમાં અન્ય મહાનગરોની જેમ તળાવમાં બોટિંગની વ્યવસ્થાઓ કરવામાં આવે તો પણ સારી એવી આવક મહાપાલિકાને થઈ શકે છે. તેમજ શહેરમાં મધ્યે આવેલા આ તળાવની સુંદરતા વધારવા આસપાસ જે ગંદકી ન થાય તે માટે કાર્યવાહી કરવામાં આવે.