પોરબંદરની ભાવસિંહજી હોસ્પિટલમાં ઓટો ક્લેવ હોરીઝોન્ટલ બોયલરમાં વિસ્ફોટ

પોરબંદર: પોરબંદરની સરકારી ભાવસિંહજી હોસ્પિટલમાં આજે એક મોટી દુર્ઘટના સામે આવી છે. હોસ્પિટલના ઓપરેશન થિયેટરમાં આવેલા ઓટો ક્લેવ હોરીઝોન્ટલ બોયલરમાં વિસ્ફોટ થયો હતો.
પોરબંદરની સરકારી ભાવસિંહજી હોસ્પિટલના ઓર્થોપેડિક વિભાગમાં કામ કરતા જયેશ ઢાંકેચા નામના કર્મચારી ગંભીર રીતે ઘાયલ થયા છે. તેમને તાત્કાલિક સારવાર હેઠળ લેવામાં આવ્યા. મેડિકલ કોલેજ બન્યા બાદ સરકારી ભાવસિંહજી હોસ્પિટલમાં નિષ્ણાત ડોક્ટરોની સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો છે. હાલમાં દરરોજ લગભગ 20 જેટલા ઓપરેશન કરવામાં આવે છે. આમાં ઓર્થોપેડિક સર્જરી, આંખના ઓપરેશન અને અન્ય મોટા ઓપરેશનનો સમાવેશ થાય છે. હોસ્પિટલ પાસે કુલ ત્રણ ઓટોકલેવ બોયલર છે. આ મશીનનો ઉપયોગ મેડિકલ સાધનોને જંતુમુક્ત કરવા માટે થાય છે. ત્રણમાંથી એક મશીન સંપૂર્ણ બંધ હાલતમાં છે, બીજું રિપેરિંગની રાહ જોઈ રહ્યું છે. ત્રીજું મશીન જે કાર્યરત હતું, તેમાં ટેકનિકલ ખામીને કારણે બ્લાસ્ટ થયો હતો.
મેડિકલ કોલેજ બન્યા પછી હોસ્પિટલમાં ઓપરેશનની સંખ્યા બમણી થઈ ગઈ છે. આ ઘટના બાદ હોસ્પિટલ તંત્ર દ્વારા સમગ્ર મામલાની તપાસ હાથ ધરવામાં આવી છે.