લલ્લા બિહારીની ધરપકડ બાદ મોટો ખુલાસો, સ્થાનિક નેતાઓની છત્રછાયા હેઠળ ચાલતો હતો ધંધો

અમદાવાદ: ચંડોળા તળાવ પર દબાણ કરી બાંગ્લાદેશી ઘૂષણખોરોને આશ્રય આપવાના મામલે લલ્લા બિહારીની ધરપકડ બાદ મોટો ખુલાસો થયો છે. સ્થાનિક નેતાઓની છત્રછાયા હેઠળ દેશવિરોધી પ્રવૃત્તિઓનો ધંધો ચાલતો હોવાની વિગતો સામે આવી છે. પોલીસને કેટલાક સ્થાનિક નેતા/આગેવાનોના લેટરપેડ મળ્યા છે. લોકલ નેતાઓ ઘૂસણખોરોને લાભ આપવા ભલામણ કરતા હોવાનો ખુલાસો થયો છે. આગળની કાર્યવાહીમાં જરૂર જણાશે તો નેતા/આગેવાનોની પણ પૂછપરછ થશે.

અમદાવાદના ચંડોળા તળાવ પર ઘૂસણખોરોને આશ્રય આપવાના મામલે ક્રાઈમ બ્રાન્ચ દ્વારા મુખ્ય આરોપી લલ્લા બિહારીની રાજસ્થાનથી ધરપકડ કરવામાં આવી છે. આ અંગે ક્રાઈમ બ્રાન્ચ DCP અજીત રાજ્યનએ જણાવ્યું હતું કે, ક્રાઈમ બ્રાન્ચ દ્વારા જુદી જુદી ટીમો બનાવવામાં આવી હતી અને લલ્લા બિહારીની રાજસ્થાનના વિસ્તારથી ધરપકડ કરવામાં આવી છે. વોટર બોડી પર દબાણ મુદ્દે અલગથી તપાસ કરી જે બાબતો સામે આવશે તે અંગે આગળ કાર્યવાહી હાથ ધરાશે. સર્ચ દરમિયાન ઘણા બધા દસ્તાવેજો, સોનું અને ડાયરીઓ મળી આવી છે. અગાઉ રાયોટિંગ સહિત 2 ગુના દાખલ થયેલા છે.

વધુમાં તેમણે જણાવ્યું હતું કે, લોકલ નેતાઓના કેટલાક લેટરપેડ મળી આવ્યા છે તે અંગે તપાસ ચાલુ છે. લેટર અંગે હાલ વધુ વાત નહીં કરી શકીએ. કાર્યવાહી બાદ લલ્લા બિહારી ફરાર થયો હતો અને યુપી જવાની ફિરાકમાં હતો. બાંગ્લાદેશથી લોકોને લાવનાર કેટલાક એજન્ટોના નામ સામે આવ્યા છે જેના પર ક્રાઈમ બ્રાન્ચની વોચ છે. હાલ આગેવાનો/નેતાઓ લોકલ હોવાની વિગતો મળી રહી છે. આગળ જરૂર પડશે તો આગેવાનો/નેતાઓને પણ પૂછપરછ માટે બોલાવવામાં આવશે.

લલ્લા બિહારીને 3 પત્ની અને 9 બાળકો હોવાની વિગત તપાસમાં સામે આવી છે. લલ્લાના પિતા મૂળ યુપીના હતા, પહેલા કડિયા કામ સાથે પરિવાર જોડાયેલો હતો. સર્ચ દરમિયાન 250 ગ્રામ સોનું, 9 લાખ કેસ મળ્યા છે. પ્રોપર્ટીમાં 5 મકાનો હોવાની વિગત મળી છે. આ મકાનો કઈ રીતે લીધા તેની વિગતો મંગાવી છે.