June 28, 2024

બિહારના નવાદામાં NEET પરીક્ષામાં કથિત ગેરરીતિની તપાસ કરવા ગયેલી CBI ટીમ પર હુમલો

Neet Paper Leak Case: નવાદામાં NEET UG પેપર લીક કેસની તપાસ કરવા માટે દિલ્હીથી બિહાર પહોંચેલી CBI ટીમને ગામલોકોએ માર માર્યો હતો. રાજૌલી પોલીસના આગમન બાદ સીબીઆઈ ટીમના અધિકારીઓને બચાવી શકાયા હતા. નવાદાના પોલીસ અધિક્ષક અંબરીશ રાહુલે જણાવ્યું કે NEET પેપર લીક કેસમાં CBIની ટીમ નવાદા જિલ્લાના રાજૌલી પોલીસ સ્ટેશનના કાસિયાદીહ ગામમાં પહોંચી હતી, પરંતુ, ગામલોકોએ સીબીઆઈ ટીમને નકલી પોલીસ કહીને માર મારવાનું શરૂ કર્યું. આ પછી નવાદા પોલીસ પહોંચી અને અધિકારીઓને બચાવ્યા. આ બાબતની નોંધ લઈ કાર્યવાહી હાથ ધરી છે. આ સંબંધમાં ચાર લોકોની ધરપકડ કરવામાં આવી છે. સીબીઆઈ ટીમના અધિકારીઓએ બે મોબાઈલ ફોન જપ્ત કર્યા છે.

ટીમ ટાવર લોકેશનના આધારે તપાસ કરવા પહોંચી હતી.
કહેવામાં આવી રહ્યું છે કે NEET પેપર લીક કેસની તપાસ કરવા માટે દિલ્હીથી CBIની ટીમ નવાદા જિલ્લાના રાજૌલી પોલીસ સ્ટેશનના કાસિયાડીહ ગામ પહોંચી હતી. પેપર લીકમાં સામેલ એક વ્યક્તિના મોબાઈલ લોકેશનના આધારે સીબીઆઈની ટીમ કાસિયાડીહ પહોંચી હતી, પરંતુ ગામલોકોએ સીબીઆઈ ટીમને નકલી ગણાવીને તેમની મારપીટ કરી હતી. સીબીઆઈ અધિકારીઓના વાહનોની પણ તોડફોડ કરવામાં આવી હતી. સીબીઆઈ ટીમના ડ્રાઈવરને પણ માર મારવામાં આવ્યો હતો. ચાર અધિકારીઓની સાથે સીબીઆઈની તપાસ ટીમમાં સ્થાનિક પોલીસની એક મહિલા કોન્સ્ટેબલનો પણ સમાવેશ થાય છે.

આ ઘટનામાં 200 લોકો વિરુદ્ધ FIR
ઘટનાના સમાચાર મળ્યા બાદ રાજૌલી પોલીસ સ્ટેશનના અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા અને ચાર સીબીઆઈ અધિકારીઓને સુરક્ષિત બચાવી લીધા. આ ઘટનામાં એફઆઈઆર નોંધવામાં આવી છે અને ચાર લોકોની ધરપકડ કરવામાં આવી છે. આ કેસમાં લગભગ 200 અજાણ્યા લોકો સામે એફઆઈઆર પણ નોંધવામાં આવી છે.

આ ઘટના શનિવારે સાંજે બની હતી
રાજૌલી એસડીપીઓએ જણાવ્યું કે આ ઘટના શનિવારે સાંજે બની હતી. સીબીઆઈની ટીમ એક ઘરમાં દરોડા પાડવા માટે આવી હતી અને યુજીસી નેટ પેપર લીક કેસમાં ઉપયોગમાં લેવાતો ફોન પણ જપ્ત કર્યો હતો. સીબીઆઈએ આ ફોન કબજે લેતા જ ઘરના લોકોએ લાકડીઓથી સીબીઆઈ ટીમ પર હુમલો કર્યો અને ત્યારબાદ સ્થળ પર એકઠા થયેલા ગ્રામજનોએ પણ સીબીઆઈ ટીમ પર હુમલો કર્યો.