July 2, 2024

બીજેપી ઉમેદવાર કંગના રનૌતે મંડીથી ઉમેદવારી નોંધાવી, વિક્રમાદિત્ય સિંહ સાથે થશે મુકાબલો

BJP Candidate Kangana Ranaut Files Nomination: હિમાચલ પ્રદેશની મંડી લોકસભા સીટ પરથી બીજેપી ઉમેદવાર કંગના રનૌતે ઉમેદવારી નોંધાવી છે. મંગળવારે કંગના રનૌત ડેપ્યુટી કમિશનરની ઓફિસ પહોંચી અને ફોર્મ ભર્યું. આ દરમિયાન હિમાચલ વિધાનસભામાં વિપક્ષના નેતા જયરામ ઠાકુર પણ હાજર હતા. આ પહેલા કંગના રનૌતે રોડ શો પણ કર્યો હતો. આ બેઠક પર તેમનો મુકાબલો કોંગ્રેસના વિક્રમાદિત્ય સિંહ સાથે છે.

કંગના રનૌતે નોમિનેશન ફાઈલ કરતા પહેલા કહ્યું કે, ‘આ અમારું સદ્ભાગ્ય છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી મોટી કાશીથી નોમિનેશન ફાઈલ કરી રહ્યા છે અને હું નાની કાશીથી. આ પણ ભારતનું સૌભાગ્ય છે કે નરેન્દ્ર મોદી ત્રીજી વખત પીએમ બનવા જઈ રહ્યા છે. હું ઘણી વખત નોમિનેશન ફાઇલ કરવાની તક મેળવવા માંગુ છું.’ તેણે કહ્યું કે મંડીના લોકો અને મારા પ્રત્યેનો તેમનો પ્રેમ મને અહીં લાવ્યો છે. આપણા દેશમાં મહિલાઓ દરેક ક્ષેત્રમાં પોતાનો ધ્વજ લહેરાવી રહી છે. આજે મંડીની મહિલાઓ સેના, શિક્ષણ અને રાજનીતિના ક્ષેત્રમાં છે.

વિક્રમાદિત્ય સિંહે ગુરુવારે ઉમેદવારી નોંધાવી હતી
કોંગ્રેસના ઉમેદવાર વિક્રમાદિત્ય સિંહ ગુરુવારે જિલ્લા મેજિસ્ટ્રેટની ઓફિસે પહોંચ્યા અને ઉમેદવારી નોંધાવી. આ દરમિયાન તેમની સાથે મુખ્યમંત્રી સુખવિંદર સિંહ સુખુ, કોંગ્રેસ પ્રદેશ પ્રભારી રાજ્યસભા સભ્ય રાજીવ શુક્લા, સાંસદ પ્રતિભા સિંહ પણ હાજર હતા. નોમિનેશન ફાઈલ કરતા પહેલા વિક્રમાદિત્ય સિંહે કહ્યું હતું કે, ‘હું ભગવાન રામના નામ પર નોમિનેશન ફાઈલ કરી રહ્યો છું.’

હિમાચલમાં 1 જૂને લોકસભા ચૂંટણી માટે મતદાન
તમને જણાવી દઈએ કે, ભાજપે અભિનેત્રી કંગના રનૌતને મંડીથી ટિકિટ આપી છે. વિક્રમાદિત્ય સિંહ પૂર્વ મુખ્યમંત્રી વીરભદ્ર સિંહના પુત્ર છે. તેમની માતા પ્રતિભા સિંહ છે, જે મંડી લોકસભા સીટથી સાંસદ છે. હિમાચલ પ્રદેશમાં સાતમા અને છેલ્લા તબક્કામાં 1 જૂને લોકસભા ચૂંટણી માટે મતદાન થશે. લોકસભા ચૂંટણી માટે નોમિનેશનનો આજે છેલ્લો દિવસ છે.