January 8, 2025

BJPએ કોંગ્રેસની ભૂલનું પુનરાવર્તન ન કરવું જોઈએ… નીતિન ગડકરીએ પોતાની જ પાર્ટીને આપી ચેતવણી!

ગોવા:  કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ પોતાની જ પાર્ટી (ભાજપ)ને લઈને મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું છે કે ભાજપ કોંગ્રેસની ભૂલનું પુનરાવર્તન ન કરે. ગડકરીએ કહ્યું કે ભાજપ અલગ વિચારધારા ધરાવતો પક્ષ છે. તેથી જ તે વારંવાર જનતાનો વિશ્વાસ જીતી રહી છે. કોંગ્રેસ જે કરતી હતી તે જો આપણે ચાલુ રાખીએ તો તેમના સત્તા પરથી જવાનું અને આપણે અંદર આવવાનો કોઈ અર્થ નથી. ગડકરીએ વધુમાં કહ્યું કે ભાજપે કોંગ્રેસ જેવી ભૂલ ન કરવી જોઈએ. જેના કારણે તેને સત્તામાંથી બહાર થવું પડ્યું.

નાગપુરના લોકસભા સાંસદ ગડકરીએ કહ્યું કે કોંગ્રેસની ભૂલોને કારણે લોકોએ ભાજપને પસંદ કર્યો. આપણે ભ્રષ્ટાચાર મુક્ત દેશ બનાવવો છે અને આ માટે આપણી પાસે યોજના હોવી જોઈએ. તેમણે કહ્યું કે આવનારા દિવસોમાં પાર્ટીના કાર્યકર્તાઓએ જાણવું જોઈએ કે રાજકારણ સામાજિક અને આર્થિક સુધારા લાવવાનું એક માધ્યમ છે. પણજી, ગોવામાં ભાજપ કાર્યકારિણીની બેઠક દરમિયાન ગડકરીએ આ વાત કહી.

આ પણ વાંચો: છેલ્લા 24 કલાકમાં 168 તાલુકામાં વરસાદ, સૌથી વધુ વલસાડમાં 6 ઇંચ

તેમના 40 મિનિટના લાંબા ભાષણમાં તેમણે ભાજપના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણીની ટિપ્પણીનો ઉલ્લેખ કર્યો, જેમાં તેમણે કહ્યું હતું કે ‘ભાજપ એક અલગ વિચારધારાવાળી પાર્ટી છે’. ગડકરીએ કહ્યું કે અડવાણીજી કહેતા હતા કે અમે અલગ વિચારધારાવાળી પાર્ટી છીએ. આપણે સમજવું પડશે કે આપણે અન્ય પક્ષોથી કેટલા અલગ છીએ.