BJPના રાજા ઇકબાલ સિંહ MCDના મેયર બન્યા, કોંગ્રેસને ફક્ત આટલા મત મળ્યા

Delhi MCD Mayor Election Result 2025: દિલ્હી એમસીડીની મેયર ચૂંટણીમાં ભાજપનો વિજય થયો છે. પાર્ટીના ઇકબાલ રાજા સિંહ દિલ્હીના મેયર બન્યા છે. ઈકબાલને 133 વોટ મળ્યા જ્યારે કોંગ્રેસના ઉમેદવાર મનદીપને માત્ર આઠ વોટ મળ્યા. આઠ મત હોવા છતાં, કોંગ્રેસે પોતાનો ઉમેદવાર ઉતાર્યો હતો, જ્યારે આમ આદમી પાર્ટીએ આ ચૂંટણીમાં ઉમેદવાર ન ઉતારવાનો નિર્ણય લીધો હતો. એમસીડી મેયરની ચૂંટણી જીત્યા બાદ, ભાજપના નેતા રાજા ઇકબાલ સિંહે કહ્યું, “હું વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, દિલ્હી ભાજપના વડા વીરેન્દ્ર સચદેવ અને અન્ય પક્ષના નેતાઓનો આભાર માનું છું.”

તેમણે વધુમાં કહ્યું, “હું તમને ખાતરી આપું છું કે હું શાસક પક્ષ, વિપક્ષ અને કોંગ્રેસ સાથે મળીને કામ કરીશ. દિલ્હીના વિકાસ માટે કોઈપણ ભેદભાવ વિના નિર્ણયો લેવામાં આવશે.

‘દિલ્હીમાં સ્વચ્છતાનો મુખ્ય લક્ષ્ય’
દિલ્હીના નવા મેયર રાજા ઇકબાલ સિંહે ચૂંટણી જીત્યા બાદ કહ્યું, ‘મારો મુખ્ય ઉદ્દેશ્ય દિલ્હીની સ્વચ્છતા વ્યવસ્થામાં સુધારો કરવાનો, કચરાના ઢગલા દૂર કરવાનો, પાણી ભરાવાની સમસ્યાનો ઉકેલ લાવવાનો અને દિલ્હીના લોકોને તમામ મૂળભૂત અને આવશ્યક સુવિધાઓ પૂરી પાડવાનો રહેશે.” આપણે બધા પૂરા સમર્પણ અને સખત મહેનત સાથે મળીને કામ કરીશું.”