April 1, 2025

HNGU ખાતે બોર્ડ ઓફ મેનેજમેન્ટની બેઠક મળી, 150 કોલેજોને જોડાણની મંજૂરી આપી

ભાવેશ ભોજક, પાટણ: પાટણ હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના વહીવટી ભવન ખાતે આજે બોર્ડ ઓફ મેનેજમેન્ટની મહત્વની બેઠક મળી હતી. જેમાં બોર્ડ ઓફ મેનેજમેન્ટના સભ્યોની હાજરીમાં યુનિવર્સિટીના વિકાસ અને વિદ્યાર્થીઓના હિતમાં 275 મુદ્દાઓ અંગે ચર્ચાઓ કરી મોટાભાગના કામો મંજૂર કરવામાં આવ્યા હતા.

હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી પાટણની બોર્ડ ઓફ મેનેજમેન્ટની મીટિંગ આજે યુનિવર્સિટીના કુલપતિ ડો. કે.સી. પોરિયાની ઉપસ્થિતિમાં યોજાઇ હતી. બીઓએમની આ બેઠકમાં 7 સભ્યો જોડાયા હતા. બેઠકમાં વિવિધ કોલેજોના જોડાણને લગતા પ્રશ્નો સહિત શિક્ષણ અને યુનિવર્સિટીને લગતા વિવિધ 275 જેટલા મુદ્દાઓ સમાવવામાં આવ્યા હતા. જેમાં મહત્વના મુદ્દા ઉપર વિસ્તૃત ચર્ચા વિચારણા કરવામાં આવી હતી.

બેઠકમાં આશરે 150 જેટલી કોલેજોને જોડાણની મંજૂરી આપવામાં આવી હતી. જ્યારે યુનિવર્સિટી સંલગ્ન વિવિધ સેલ્ફ ફાઇનાન્સ કોલેજો દ્વારા અધ્યાપકો માટે યોજાતા ઇન્ટરવ્યૂ અંતર્ગત આ વખતે યુનિવર્સિટી દ્વારા સેન્ટ્રલાઈઝ પદ્ધતિથી ઇન્ટરવ્યૂ યોજવા અંગેની વિચારણા બોર્ડમાં મંજૂર કરાઈ હતી. યુનિવર્સિટીના બાંધકામ અંગેની બાબતો તેમજ બજેટ પણ બીઓએમમાં રજૂ કરીને મંજૂર કરાયું હતું.એક પ્રશ્નના જવાબમાં કુલપતિએ જણાવ્યું હતું કે બોર્ડ ઓફ મેનેજમેન્ટના સભ્ય હિરેન પટેલ કે જેઓ યુનિવર્સિટીના વિવિધ પત્રોની નકલો અન્ય પૂર્વ સભ્યોને મોકલતા હોવાનું ધ્યાનમાં આવતા આ બાબતની ગંભીરતાને ધ્યાને લઈ બોર્ડ ઓફ મેનેજમેન્ટ ની બેઠકમાં તેમને હાજર રાખવા કે કેમ તે અંગે બીઓએમના કેટલાક સભ્યોને પૂછતા કેટલાક સભ્યોએ તેમને આ બેઠકથી બહાર રાખવા જણાવતા તેમને તે અંગેનો પત્ર લખવામાં આવ્યો હોવાનું કુલપતિએ જણાવ્યું હતું. બેઠકમાં બોર્ડ ઓફ મેનેજમેન્ટના સભ્ય તરીકે દિલીપભાઈ ચૌધરી અને નવા નિમાયેલા સભ્ય ડો. સંગીતા શર્મા ઉપસ્થિત રહ્યા હતા. જ્યારે અન્ય સભ્યો ઓનલાઇન જોડાયા હતા.આ ઉપરાંત રજીસ્ટ્રાર ડૉ. રોહિત દેસાઈ અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.