December 30, 2024

બેરોજગાર યુવકના નામે ચાલતી હતી બોગસ કંપની, GSTની તપાસમાં થયો ઠગાઇનો ખુલાસો

GST Fraud: ઉત્તર પ્રદેશના મુઝફ્ફરનગરમાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. અહીં GST વિભાગના કર્મચારીઓ એક યુવકના ઘરે પહોંચ્યા અને દરવાજો ખટખટાવ્યો. જ્યારે યુવક બહાર આવ્યો ત્યારે તેને કહેવામાં આવ્યું કે તેના નામે એક કંપની ચાલી રહી છે અને કંપનીના અંદાજિત રૂ. 250 કરોડના GST ઈ-વે બિલિંગ વ્યવહારો થયા છે. આ સાંભળીને યુવકના હોશ ઉડી ગયા.

વાસ્તવમાં, રતનપુરી પોલીસ સ્ટેશન વિસ્તારના બડસૂ ગામમાં રહેતા એક બેરોજગાર યુવક અશ્વની કુમારને થોડા દિવસો પહેલા વોટ્સએપ પર કોલ આવ્યો હતો. કોલ પર નોકરીની વાત કરવામાં આવી હતી. નોકરીની લાલચમાં અશ્વનીએ સામેથી માંગવામાં આવેલ ડોક્યુમેન્ટ્સ વોટ્સએપ પર મોકલી આપ્યા હતા.

યુવકના ડોક્યુમેન્ટ્સના આધારે બનાવાઇ બોગસ કંપની
અશ્વનીનું કહેવું છે કે તેણે ડોક્યુમેન્ટ્સ સાથે 1750 રૂપિયા પણ મોકલ્યા હતા, પરંતુ તેને નોકરી નહોતી મળી. હવે, અશ્વનીના નામે એક બોગસ કંપની અને બેંક એકાઉન્ટ ખોલીને લગભગ રૂ. 250 કરોડ GSTની ઈ-વે બિલિંગ છેતરપિંડી આચરવામાં આવી છે. અધિકારીઓનું કહેવું છે કે આ મામલે GST વિભાગ સાથે મળીને આગોતરી કાર્યવાહી કરવામાં આવી રહી છે.

બોગસ કંપનીમાં કરાયા કરોડોના આર્થિક વ્યવહાર 
રૂરલ એસપી આદિત્ય બંસલે જણાવ્યું કે કોઈ વ્યક્તિના ખાતામાં આ રકમ નથી આવી. રતનપુરીના રહેવાસી અશ્વની કુમારને નોકરી આપવાની લાલચ આપીને ડોક્યુમેન્ટ્સ લઈ લેવામાં આવ્યા અને આ ડોક્યુમેન્ટ્સના આધારે બોગસ કંપની અને બોગસ બેંક એકાઉન્ટ ખોલી દેવામાં આવ્યા, જેના દ્વારા GSTના ઈ-વે બિલિંગની છેતરપિંડી કરવામાં આવી હતી. તેનાથી લગભગ 250 કરોડ રૂપિયાનું બોગસ ઈ-વે બિલિંગ તૈયાર કરવામાં આવ્યું. આ અંગે GST વિભાગ સાથે ચર્ચા કરવામાં આવી રહી છે. સાથે મળીને આગોતરા કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

આ પણ વાંચો: “BJP ઈચ્છે કે ન ઈચ્છે, જમ્મુ કાશ્મીરનો રાજ્યનો દરજ્જો આપવો જ પડશે’, રાહુલ ગાંધીનો હુંકાર

પીડિત યુવકે જણાવી આપવીતી
નોકરીની લાલચમાં છેતરપિંડીનો ભોગ બનેલા પીડિત યુવક અશ્વની કુમારે જણાવ્યું કે તેને વોટ્સએપ પર નોકરી માટે કોલ આવ્યો હતો. મારી પાસે ડોક્યુમેન્ટ્સ માંગવામાં આવ્યા, જેમાં મારા ઘરનું વીજળીનું બિલ અને પિતાનું આધાર કાર્ડ અને રૂ. 1750 લેવામાં આવ્યા હતા. મારા નામે કોઈ કંપની ચાલતી હોવાની મને જાણ નથી. GST વિભાગની ટીમ આવી છે. તેમણે જણાવ્યું કે મારા નામે કોઈ કંપની ચાલી રહી છે. GST વિભાગે અમને બોલાવીને પગલાં લેવા જણાવ્યું છે. પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે.