May 18, 2024

ગુજરાતનાં એક ગામડાંની સરોગેટ મધરની વાર્તા, મોટા પડદા પર આવશે ‘દુકાન’

અમદાવાદઃ બોલિવૂડમાં છેલ્લા ઘણાં સમયથી સામાજિક સમરસતા સાથે આધુનિક વિચારધારાનો સંદેશ આપતી ફિલ્મ આવી નથી. ત્યારે આગામી 5મી એપ્રિલના દિવસે આવી જ એક ફિલ્મ થિયેટર્સમાં રિલિઝ થવા જઈ રહી છે. જેનું નામ છે ‘દુકાન’. ફિલ્મની સ્ટોરી એક સત્યઘટના પર આધારિત છે. સરોગસી દ્વારા બાળક પેદા કરતી સ્ત્રીઓ આર્થિક ઉપાર્જન કરે છે અને પગભર બને છે. આ ઉપરાંત તેના જીવનમાં કેવી-કેવી મુશ્કેલીઓ આવે છે, તે પણ ફિલ્મમાં દર્શાવવામાં આવી છે. તેટલું જ નહીં, રૂઢિચુસ્ત માનસિકતા સામે લડતી આજની પેઢીની વાત પણ તેમાં સરસ રીતે વણી લેવામાં આવી છે. તો આવો આ મૂવી વિશે વિગતે વાત કરીએ…

સ્ટોરીની શરૂઆત અમદાવાદના અડાલજની વાવથી થાય છે અને છેક રાજસ્થાનના પુષ્કર સુધી જાય છે. ગુજરાતના એક નાનકડા ગામમાં તે સમયે સરોગસી દ્વારા માતા બનવાનો અને તેનાથી આર્થિક ઉપાર્જન કરી પગભર થવાની હોડ લાગી હતી. ત્યારે સ્ટોરીમાં એક સીન એવો આવે છે કે, જેનાથી આખું ચિત્ર બદલાઈ જાય છે અને મોટો ટ્વિસ્ટ આવે છે. ઇન્ટરવલ પછી એક ડાયલોગ પર આખું મૂવી બાજી મારી જાય છે. ઘણાં સીન ઇમોશનલ છે તો ઘણાં આક્રામક છે. એટલે કે, બેલેન્સિંગ બહુ સારું જોવા મળ્યું છે. ફિલ્મી પડદે સ્ટોરી ઉતારવામાં ડાયરેક્ટ ખરેખર સફળ થયા છે.

મૂવીના સ્ટારકાસ્ટની વાત કરીએ તો, અરમાનનું પાત્ર ભજવતા અભિનેતા સોહમ મજુમદાર અને જસ્મીનનું પાત્ર ભજવતી અભિનેત્રી મોનિકા પંવારે સારું કામ કર્યું છે. આ ઉપરાંત બોલિવૂડ પ્લેબેક સિંગર મોનાલી ઠાકુર પણ આ ફિલ્મમાં હિરોઇન તરીકે જોવા મળશે. તેનું પાત્ર પણ ઘણું મજબૂત ફિલ્માવવામાં આવ્યું છે. આ ઉપરાંત સિકંદર ખેર, ઇન્સાન અશરફ સહિત ઘણાં સાઇડ એક્ટર્સે ઘણું સારું કામ કર્યું છે. આ ઉપરાંત ગુજરાતી સ્ટોરી બેઝ્ડ ફિલ્મમાં એક ગુજરાતી એક્ટર તારીકા ત્રિપાઠી પણ જોવા મળશે.

આ મૂવીમાં ઘણાં સીન એવાં છે કે, જેમાં એવું લાગે છે કે, અહીં આ અભિનેત્રીનું કામ નબળું છે, તો ક્યાંક અભિનેતા પણ એમાં માર ખાઈ ગયો છે. આ સાથે જ ઘણી બધી અભિનેત્રીઓ એકસાથે આ મૂવીમાં જોવા મળશે. ક્યાંક એકાદવાર બોલિવૂડનો ખ્યાતનાર અભિનેતા સની દેઓલ પણ જોવા મળી જાય છે. તમામ સ્ટારકાસ્ટના કામનું ઓવરઓલ રેન્કિંગ કરવામાં આવે તો, ઘણું સારું કામ કર્યું છે.

આ પણ વાંચો: 4 કલાકના શૂટિંગ માટે 3 દેશ પાર કરી પહોંચ્યો આ એક્ટર

ત્યારબાદ સિનેમેટોગ્રાફીની વાત કરીએ તો, દરેક સીનને એેકદમ યુનિક રીતે દર્શકો સામે મૂકવામાં આવ્યા છે. ઘણી જગ્યાએ ગુજરાતની જગ્યાઓ જોવા મળે છે. તેનાથી સ્વાભાવિક રીતે ગુજરાતી પ્રેક્ષક તરત જ કનેક્ટ થઈ જશે. આ સિવાય નડિયાદ અને આણંદમાં શૂટ કરાયેલા ઘણાં સીન ચોક્કસ દર્શકોના મન આકર્ષી લે તેવાં છે. મ્યુઝિકની વાત કરીએ તો, ગીતોમાં ખાસ કંઈ દમ જોવા મળ્યો નથી. પરંતુ બેકગ્રાઉન્ડ મ્યુઝિકમાં સારું કામ કર્યું છે.

ફિલ્મની નબળાઈ વિશે વાત કરીએ તો, ઘણીવાર સ્ટોરી અમુક સમય માટે બોરિંગ બની જાય છે. ત્યારે પ્રેક્ષક તેનાથી છૂટી જાય છે. આ સિવાય ઘણાં સીન એવાં છે કે, તે વધુ સારી રીતે ફિલ્માવી શકાયા હોત. આ ઉપરાંત સ્ટોરીનો ક્લાયમેક્સ જે રીતે એકદમ સામાન્ય રીતે બતાવવામાં આવ્યો છે. ઇન્ટરવલ પછી સ્ટોરી આગળ વધે છે અને પ્રેક્ષકોને ક્લાયમેક્સમાં શું થશે અને કંઈક ટ્વિસ્ટ હશે તેવી અપેક્ષા ચોક્કસ બંધાય છે, પરંતુ અંતે સિમ્પલ સ્ટોરીની જેમ વાર્તાનો અંત આવે છે. એટલે ક્લાયમેક્સમાં વધુ સારું કામ કરી શકાયું હોત!

આ સ્ટોરીની સત્યઘટના અંગે વાત કરીએ તો, જે-તે સમયે ડો. નયના પટેલની ઘણી ટીકા અને આલોચનાઓ કરવામાં આવી હતી. તેમના પર આક્ષેપ કરવામાં આવ્યો હતો કે, તેઓ સ્ત્રીના ગર્ભાશયને વેચી રહી છે. તેનો ઉપયોગ આર્થિક ઉપાર્જન માટે કરવામાં આવી રહ્યો છે. પરંતુ બીજી બાજુ તેમણે ઘણાં નિઃસંતાન દંપતીઓને ઘેર પારણાં ઝૂલતા કર્યા છે.