October 5, 2024

ભારતમાં ઘૂસણખોરી કરવાની કોશિશ કરી રહ્યા હતા 500-600 બાંગ્લાદેશી, BSFએ તાત્કાલિક લીધા પગલાં

નવી દિલ્હી: પડોશી દેશમાં અશાંતિના કારણે ‘હાઈ એલર્ટ’ વચ્ચે બોર્ડર સિક્યુરિટી ફોર્સ (BSF) એ પશ્ચિમ બંગાળમાં આંતરરાષ્ટ્રીય સરહદેથી બાંગ્લાદેશીઓના મોટા જૂથ દ્વારા ઘૂસણખોરીના પ્રયાસને નિષ્ફળ બનાવ્યો છે. બીએસએફના અધિકારીઓએ જણાવ્યું હતું કે ફોર્સે લગભગ 500-600 બાંગ્લાદેશી નાગરિકોના એક જૂથને અટકાવ્યું હતું જેઓ પશ્ચિમ બંગાળમાં આંતરરાષ્ટ્રીય સરહદ પાર કરીને ભારતમાં પ્રવેશવાનો પ્રયાસ કરી રહ્યા હતા. અધિકારીઓના જણાવ્યા અનુસાર શેખ હસીના સરકારના પતન બાદથી સુરક્ષા દળો ઢાકામાં ‘હાઈ એલર્ટ’ પર છે.

‘લોકો ડરી ગયા છે’
સીમા સુરક્ષા દળના ઉત્તર બંગાળ ફ્રન્ટિયરે “અફવાઓ” ને ડામવા માટે એક નિવેદન બહાર પાડ્યું અને સ્પષ્ટ કર્યું કે “બાંગ્લાદેશથી ભારતીય સરહદ તરફ કોઈ મોટા પાયે લઘુમતી વસ્તીની હિલચાલ થઈ નથી.” “સ્થાનિક અશાંતિના ડરથી લોકો એકઠા થયા હતા. આ લોકોને તેમની સુરક્ષાની ખાતરી આપવામાં આવી છે અને બાંગ્લાદેશી નાગરિકોને તેમના ઘરે પાછા ફરવા માટે પ્રોત્સાહિત કરવામાં આવ્યા છે. તેમાં કહેવામાં આવ્યું છે કે આ લોકો બાંગ્લાદેશમાં પ્રદર્શનકારીઓના હુમલાના ડરથી એકઠા થયા હતા.

વધારાના દળો તૈનાત કરવામાં આવ્યા છે
નિવેદન અનુસાર, BSFના જવાનોએ “અસાધારણ સતર્કતા” અને સક્રિય ત્વરિત પ્રતિસાદ દર્શાવ્યો જેણે સરહદની સુરક્ષા અને ત્યાં એકઠા થયેલા બાંગ્લાદેશી નાગરિકોની સુરક્ષા સુનિશ્ચિત કરી. BSF અને બોર્ડર ગાર્ડ બાંગ્લાદેશે એક સેક્ટરમાં સ્થાનિક અધિકારીઓ સાથે મળીને 35 બાંગ્લાદેશી નાગરિકોને તેમના ઘરે પાછા મોકલ્યા છે અને “બીએસએફે પરિસ્થિતિને અસરકારક રીતે નિયંત્રિત કરવા માટે વધારાના દળો તૈનાત કર્યા છે”.

આ પણ વાંચો: વિનેશ ફોગાટના નામે છે આ મોટો રેકોર્ડ, કોઈપણ મહિલા રેસલર માટે તોડવો મુશ્કેલ

બીએસએફ તૈનાત
અન્ય સેક્ટરમાં બાંગ્લાદેશી ગ્રામજનોનું એક જૂથ આંતરરાષ્ટ્રીય સરહદ પર પહોંચ્યું, જેના કારણે નાનો હંગામો થયો, પરંતુ બીએસએફના જવાનોએ “તત્કાલ” પગલાં લીધા અને કોઈપણ “પ્રતિકૂળ” ઘટના બન્યા વિના શાંતિપૂર્ણ રીતે પરિસ્થિતિને ઉકેલી. પ્રવક્તાએ કહ્યું કે ગ્રામીણો તેમના ઘરે પરત ફર્યા છે. અન્ય એક ઘટનામાં ઉત્તર બંગાળ ફ્રન્ટિયરે જણાવ્યું હતું કે, “એક મોટી ઘૂસણખોરીના પ્રયાસને નિષ્ફળ કરવામાં આવી હતી. જ્યારે સરહદની નજીક મોટી બાંગ્લાદેશી ભીડ જોવા મળી હતી.”