June 29, 2024

બરવાળામાં ગંદા પાણીથી રહીશો ત્રાહિમામ્, નગરપાલિકા કચેરીને તાળાબંધી

બોટાદઃ બરવાળા નગરપાલિકા કચેરીને તાળાબંધી કરવામાં આવી છે. શહેરના અનેક વિસ્તારોમાં ગટરના ઊભરાતાં ગંદા પાણીથી રહીશો ત્રાહીમામ્ પોકારી ઉઠ્યાં છે. અનેકવાર રજૂઆત કરવા છતાં કોઈ નિકાલ ન આવતા કચેરીને તાળાબંધી કરી નગરપાલિકા પરિસરમાં બેસી વિરોધ દર્શાવ્યો છે. વિસ્તારોમાં ગટરના ગંદા પાણી ઉભરાઈ જવાથી રોડ પર અને રહેણાંકી મકાનોમાં ફરી વળતા રોગચાળો ફેલાવાની સ્થાનિકોમાં દહેશત છે. વહેલી તકે ગટરના ઊભરાતાં ગંદા પાણીનો નિકાલ કરવા માગ કરવામાં આવી છે.

બોટાદ જિલ્લાના બરવાળા શહેરના પાટશેરી, કુંડળ દરવાજા વિસ્તાર, જૂની સતવારા શેરી સહિતના વિસ્તારોમાં ગટરના પાણી છેલ્લા ઘણા સમયથી ઉભરાઈ રહ્યા છે અને ગટરના ગંદા પાણી લોકોના ઘરમાં તેમજ મુખ્ય માર્ગો પર ફરી વળ્યા છે. જેને લઈ લોકો ગંદા પાણીમાંથી પસાર થવા મજબૂર બન્યા છે. જેને લઈ સમગ્ર વિસ્તારમાં રોગચાળો ફાટી નીકળવાની દહેશત સર્જાઈ છે.

આ પણ વાંચોઃ અમદાવાદના દરિયાપુરમાં આવેલા મદરેસામાં તપાસ દરમિયાન આચાર્ય પર ટોળાનો હુમલો

સ્થાનિકોએ નગરપાલિકાને અનેક વખત ગટરના પાણીનો નિકાલ કરવા રજૂઆત કરી હોવા છતાં પાલિકા દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવી નહોતી. અંતે 50થી વધારે સ્થાનિકો દ્વારા નગરપાલિકા કચેરીએ પહોંચી બરવાળા નગરપાલિકા કચેરીને ઘેરી અને તાળાબંધી કરી હતી. ઉગ્ર આક્રોશ સાથે વિરોધ વ્યક્ત કર્યો હતો. જ્યાં સુધી ગટરના ગંદા પાણીનો નિકાલ ન થાય ત્યાં સુધી નગરપાલિકા કચેરીએ બેસી વિરોધ દર્શાવવાનું જણાવ્યું હતું.

આ પણ વાંચોઃ સહારામાં રોકાણ કરનારા લોકો બન્યાં ‘બેસહારા’, 500 કરોડ અટવાયા

ગટર લાઈનની કામગીરીમાં ભ્રષ્ટાચાર સાથે બોગસ કામગીરી થઈ હોવાના પણ રહીશોએ આક્ષેપ લગાવ્યા છે. નગરપાલિકા કચેરીમાં ‘અંધેરી નગરી મેં ગંડુ રાજા’ જેવું શાસન ચાલતું હોવાના આક્ષેપો સાથે ગટરના ગંદા પાણીનો વહેલી તકે નિકાલ લાવવા માગ કરી અને કચેરીને તાળાબંધી કરી વિરોધ દર્શાવ્યો હતો.