મંદીના માહોલ વચ્ચે બોટાદ જિલ્લા ડાયમંડ એસોસિએશન રત્ન કલાકારોને વીમા પોલિસી આપશે

બોટાદ: હીરા ઉદ્યોગમાં મંદીના માહોલ વચ્ચે બોટાદ જિલ્લા ડાયમંડ એસોસિએશન દ્વારા રત્ન કલાકારો માટે એક મહત્વપૂર્ણ પહેલ કરી છે. ડાયમંડ એસોસિએશન દ્વારા જિલ્લાના વિવિધ કારખાનાઓમાં કામ કરતા રત્ન કલાકારો અને હીરા એસોર્ટ કરતા કારીગર વર્ગ માટે પરિચય કાર્ડ આપશે. મુંબઈ જેમ્સ એન્ડ જ્વેલર્સના સહયોગથી રત્ન કલાકારોને પરિચય કાર્ડ અપાશે. આ કાર્ડ ધારકોને ડાયમંડ એસોસિએશન તરફથી 35 હજાર રૂપિયાની વીમા પોલિસી વિનામૂલ્યે આપવામાં આવશે.
દેશભરમાં હીરા ઉદ્યોગને ગ્રહણ લાગ્યું છે. ત્યારે રત્ન કલાકારો ની પણ માઠી દશા બેઠી છે. ત્યારે હીરા ઘસી ગુજરાન ચલાવતા રત્ન કલાકારો માટે બોટાદ જિલ્લામાં પ્રથમ વખત રત્ન કલાકારોની પરિચય કાર્ડ ઓળખપત્ર બનાવવાનો નિર્ણય કર્યો છે. આ કાર્ડ ધારકોને ડાયમંડ એસોસિએશન તરફથી 35 હજાર રૂપિયાની વીમા પોલિસી વિનામૂલ્યે આપવામાં આવશે. ડાયમંડ એસોસિએશન અને સરકાર તરફથી મળતી તમામ સહાય સીધી તેમના બેંક એકાઉન્ટમાં જમા થાય તે માટે ડાયમંડ એસોસિયન દ્વારા આ કામગીરી હાથ ધરવામાં આવી છે.
બોટાદ એસોસિએશને જિલ્લામાં કુલ 70 હજાર કાર્ડ બનાવવાનું આયોજન કર્યું છે. આ ઓળખપત્રો બનાવવા પાછળ થનાર અંદાજે 2થી 2.5 લાખ રૂપિયાનો ખર્ચ એસોસિએશન પોતે ઉઠાવશે. આ પહેલથી જિલ્લાના રત્ન કલાકારોને એક વિશિષ્ટ ઓળખ મળશે અને તેમને મળતી સુવિધાઓનો લાભ સરળતાથી મેળવી શકશે. જેમ્સ એન્ડ જ્વેલરી એસોસિયેશન દ્વારા કે પછી સરકાર દ્વારા રત્ન કલાકારોને આજીવિકા કે સહાય માટે મળવાપાત્ર રકમ સીધી તેના ખાતામાં જમા થાય તે માટે બોટાદ ડાયમંડ દ્વારા કરવામાં આવેલ આ પહેલને રત્ન કલાકારો બિરદાવી રહ્યા છે.